અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી…પોલિયોને પરાસ્ત કરી પેરાલિમ્પિકમાં પગ મૂકશે સોનલ
ખોબા જેવા રાયડી ગામની સોનલે 4 વરસની ઉંમરે પગ ગુમાવ્યા તો મમ્મી અને દાદીએ કાંખે ઉપાડી સ્કૂલે લઈ જઈ ભણાવી: એમબીએ કર્યા બાદ નોકરી કરી પગભર બની, દિવ્યાંગતાને હિંમત બનાવી રમતગમતમાં ઉતરી અને ખેડૂત પુત્રી એક પછી એક 65 મેડલ લાવી:જાપાનમાં ક્યાકિંગમાં પ્રથમ સિલ્વર મેડલ સાથે ગુજરાતને પ્રથમ ઇન્ટરનેશનલ મેડલ અપાવતી સોનલ વસોયા
હજુ તો ચાલતા શીખે એ પહેલા તાવ અને પોલિયોમાં બંને પગ ગુમાવી દીધા,મમ્મી અને દાદી તેડીને સ્કૂલે લઈ જઈ દિકરીને ભણાવી અને આજે એ જામકંડોરણાના ખોબલા જેવાં રાયડી ગામની દીકરી સોનલ દેશનું અભિમાન બની હવે પેરા ઓલમ્પિક માટે ભોપાલમાં તૈયારી કરી રહી છે. તારીખ 3 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ તરીકે ઉજવાય છે.
આ દિવસ એટલા માટે ઉજવાય છે કે, સામાન્ય વ્યક્તિઓ કરતા અસાધારણ પ્રતિભા ધરાવતા આ દિવ્યાંગોને દયા નહીં પરંતુ પ્રોત્સાહન અને હૂંફની જરૂર હોય છે.
‘વોઇસ ઓફ ડે’ના આજની સ્પેશિયલ સ્ટોરીમાં રાયડી ગામની વિકલાંગ યુવતી સોનલ વસોયા નાનપણમાં જ બે પગ ગુમાવી દીધા અને બાળપણમાં પિતા ગુમાવ્યા તેમ છતાં હિંમત હારી નહીં અને હૈયે હામ રાખીને શૈક્ષણિક અભ્યાસ સાથે રમત ગમત દ્વારા આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે ઝડપી છે અને હવે પોતે ઓલમ્પિક માટે તૈયારી કરી રહી છે. આ વર્ષે પણ જાપાનના ટોકીયોમાં એશિયન પેરા ઓલમ્પિક ગેમમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. અને હવે તેની જિંદગીનો એકમાત્ર લક્ષ્ય છે ઓલમ્પિકમાં મેડલ જીતી અને તેના પિતાને શ્રદ્ધાંજલિ આપવી.
સંઘર્ષથી સિદ્ધિ તરફ કઈ રીતે પહોંચી આ ખેડૂત પુત્રી..? જેના વિશે એના જ શબ્દોમાં જાણીએ.. માતા સમજુબેન અને પિતા રતિભાઈનો મારો હર્યો ભર્યો પરિવાર કે જ્યાં સુવિધાઓના અભાવ વચ્ચે પણ સ્નેહથી ગુંથાયેલો અમારો પરિવાર, કુદરતે એવી થપાટ લગાવી કે, એક જ ક્ષણમાં અમારા પર મુશ્કેલીનો પહાડ તૂટી પડ્યો કારણ કે ચાર વર્ષની મારી ઉંમરે પોલિયો ના કારણે બંને પગ જતા રહ્યા. આ પરિસ્થિતિમાં પણ હવે હિંમત હારી નહીં અને મારા મમ્મી અને દાદી મને તેડીને સ્કૂલે લેવા અને મૂકવા આવતા હતા, આમ કરતાં કરતાં ધોરણ 10 સુધીનો અભ્યાસ હું મારા ગામમાં જ ઘણી પરંતુ ત્યારબાદ મારા બંને પગ ચાલતા ન હોવાથી સૌથી પ્રથમ એવી મુશ્કેલી આવી કે હું કઈ રીતે આગળ અભ્યાસ કરીશ, મારો અભ્યાસ પ્રત્યે નો પ્રેમ અને જુસ્સો જોઈને રાજકોટના કાન્તાશ્રી વિકાસ ગૃહમાં અભ્યાસ કરવા આવી ગઈ અહીં બે વર્ષના અભ્યાસ બાદ ધોરાજીની કોલેજમાંથી ગ્રેજ્યુએશન થયા બાદ જુનાગઢ અને તામિલનાડુ અને યુનિવર્સિટીમાંથી એમબીએ ની ડિગ્રી પણ મેળવી લીધી. એક સમયે જ્યારે હું શાળામાં અભ્યાસ કરતી ત્યારે મારી સાથે રહેલા સામાન્ય બાળકો મારી પરિસ્થિતિ પર હસતાં અને મને ચીડવતાં.. આ બધું જ મેં ચહેરા પર હાસ્ય રાખીને પચાવી લીધું અને મારો અભ્યાસ અને પૂર્ણ કર્યો.
ત્યારબાદ સોનલ અમદાવાદમાં અંધજન મંડળમાંથી કોમ્પ્યુટરનો કોર્સ કરીને ખાનગી કંપનીમાં નોકરી શરૂ કરી હતી. 85% શારીરિક અસક્ષમતા ના લીધે મને નોકરી પર દિવ્યાંગ તરીકે જ જોવામાં આવતી હતી એવામાં એક સમયે અમદાવાદમાં એક બિલ્ડરને ત્યાં મારી દિવ્યાંગતા નહીં પણ મારી આવડતને જોઈને મને નોકરી મળી ગઈ. આમ નોકરીની સાથે સાથે મને રમત ગમતમાં હતો અને નોકરીની સાથે હું એથ્લેટિક તરીકે પ્રેક્ટિસ કરતી હતી. ત્યારે વર્ષ 2010માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ખેલ મહાકુંભની શરૂઆત કરી જેમાં રાજકોટના યુનિક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી મેં ભાગ લીધો હતો અને ત્યારે ત્રણ ગોલ્ડ અને એક સિલ્વર મેડલ મેળવીને દિવ્યાંગો કોઈથી કમ નથી તેવો સંદેશ સમાજ સમક્ષ રજૂ કર્યો હતો.
મને આ રીતે રમત ગમત માં આગળ વધવાની તક મળી નોકરી સાથે અલગ અલગ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે નોકરી કરતી ગઈ જેથી કરીને મારે પિતા પાસે પૈસા માગવા ન પડે આ રીતે ધીમે ધીમે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ અલગ અલગ ચંદ્રક મેળવ્યા છે. વધતા આત્મવિશ્વાસ સાથે પાવર લિફ્ટિંગ અને ત્યારબાદ કેનોઇંગ વોટર સ્પોર્ટ્સમાં ભાગ લઈ અત્યાર સુધીમાં 65 જેટલા મેડલ મેળવ્યા છે.
એથ્લેટિકમાંથી કઈ રીતે વોટર કેનોઈનગમાં? જેના વિશે સોનલ કહે છે કે કોરોના દરમિયાન મેં રિસર્ચ કર્યું હતું અને જેમાં જાણવા મળ્યું કે આ કોમ્પિટિશન માટે ગુજરાતના કોઈ ખેલાડી નથી અને જેને તાલીમ ભોપાલમાં આપવામાં આવે છે આથી નેક્સ્ટ ઓલમ્પિક માટે મેં ભોપાલ તરફ દોટ મૂકી, આ વખતે સૌથી મોટો પડકાર રહ્યો હતો કે, હું જ્યારે ભોપાલ ગઈ ત્યારે ત્યાં આ ગેમના કોચ મયંક સર મળ્યા અને તેને કહ્યું કે 15 દિવસ પછી જ નેશનલ આવી રહ્યું છે તો અત્યારે રોકાઈ જાય તો તેને પ્રેક્ટિસ થઈ જશે પરંતુ ત્યારે મારી પાસે રહેવાનું કોઈ સ્થળ કે કોઈ સામગ્રી પણ ન હતી, એક બાજુ ઠંડી અને ઓઢવા માટે રજાઈ પણ નહીં તેમ છતાં હિંમત હાર્યા વિના આ સંજોગોમાં હું ત્યાં રહી ગઈ અને તાલીમ લીધી, મારી આ મહેનતનું ફળ વર્ષ 2022 માં જાપાનમાં યોજાયેલી એશિયન ચેમ્પિયનશિપમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો.. કેનોઈંગમાં ગુજરાતને મળેલો આ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેડલ અપાવવાનો શ્રેય સોનલના ફાળે જાય છે.બસ હવે ઓલમ્પિકમાં સોનલ ભારતને વધુ એક મેડલ મેળવે અને ભારતનું નામ દુનિયાના નકશામાં અંકિત કરે તેવી શુભેચ્છા…
મને ભારતનું ગૌરવ જોવા માંગતા પિતાની અણધારી વિદાય…!! કાયમી વસવસો રહી ગયો
જ્યારે પોતાના સ્વપ્ન તરફ આગળ વધીએ છીએ ત્યારે પાછળનું ઘણું બધું છૂટી જતું હોય છે, મારા પિતાની અણધારી વિદાય જેના લીધે હું ભાંગી પડી હતી, જેવો મને ભારતનું ગૌરવ તરીકે જોવા ઇચ્છતા હતા, એમને જ મને આ સ્વપ્નના બતાવ્યું હતું અને તેઓ દુનિયા છોડીને જતા રહ્યા.. એક વરસ સુધી તો હું ભાવ ભાંગી પડી હતી, મારા પિતાએ સંતોષ મહેનત કરીને મને અહીં સુધી પહોંચાડી છે એ જ પિતાનું હવે મારે જાત તોડીને સ્વપ્ન સાકાર કરવું છે બસ આવા જ મનોમન નિર્ધાર સાથે મારા લક્ષ્ય તરફ આગળ વધી રહી છું તેમ સોનલ વસોયા જણાવે છે.
સમાજ માટે હું દયપાત્ર પણ મારા પર માટે હું ક્યારેય દિવ્યાંગ નથી…
સોનલ ગર્વ લેતા કહે છે કે, સમાજે મને દયાપાત્ર તરીકે નિહાળી જયારે મારા પરિવાર માટે હું ક્યારેય દિવ્યાંગ છું જ નહીં.. મારી ચાર બહેન અને એક ભાઈ, મમ્મી, પપ્પા,દાદી બધા જ મને એટલો જ પ્રેમ કરે છે. કોઈપણ પ્રસંગ હોય, કોઈપણ તહેવાર કે પછી દાંડિયા રાસ રમવા જવું હોય, ફરવા ફરવા બધે જ મને વહીલચેર પર બેસાડીની લઈ જતા અને મારો પરિવાર જ મારી હિંમત છે.
સપનું જોવું સરળ પણ સાકાર કરવામાં ઘણું બધું છૂટી જાય છે
મારી કમજોરી જ મારી તાકાત બની હતી ભલે મારા પગ ન હતા પરંતુ મને જે પ્રેરણા મળી હતી તે જ મોટી મૂડી હતી. તેમ છતાં જ્યારે ઇન્ટરનેશનલ ગેમ ની તૈયારી માટે દોઢ વર્ષની તાલીમ દરમિયાન હું ઘરે આવી ન હતી, આ સમયમાં મારા લાડલા ભાઈના લગ્ન પણ થઈ ગયા અને જે મને કાંખમાં બેસાડી સ્કૂલે મૂકી જતા એ દાદીમા એ પણ અંતિમ શ્વાસ લઈ લીધા હતા, ત્યારે હું આવી ના શકી ઘણું બધું ગુમાવ્યા પછી મેં ઘણું બધું ગુમાવ્યા પછી ઘણુ બધુ હાંસિલ કરી લીધું છે અને હવે મારું એ જ સપનું છે કે મારા પપ્પા માટે મારે ઓલમ્પિક મેડલનો લઈ એમની સાચી શ્રદ્ધાંજલિ આપવી છે.