કોસ્ટગાર્ડના શીપની જાસુસીના બદલામાં દુશ્મનોએ ૬ હજાર રૂપિયા આપ્યા !
ATSએ પોરબંદરમાંથી આંતકીઓ માટે જાસૂસી કરતા ૨૧ વર્ષના યુવકને ઝડપી લીધો
જેટી તથા વહાણોની માહિતી ફેસબુક મેસેન્જર, WHATSAPP તથા TELEGRAM, SNAPCHAT મારફત પાકિસ્તાનના એજન્ટને મોકલી હતી
ATS દ્વારા પોરબંદરમાંથી વધુ એક પાકિસ્તાની જાસૂસને પકડી પાડવામાં આવ્યો છે. દેશમાં જ રહીને દેશનું જ ખાઈને પાકિસ્તાનને મદદ કરનારા જાસુસી તત્ત્વો મામલે પોરબંદર ફરી એકવાર બદનામ થયું છે. આરોપી શખ્સની પૂછપરછ સાથે વધુ શખ્સોના નામ પણ જાસુસી મામલે ખૂલે તેવી સંભાવના નકારી શકાતી નથી.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર અગાઉ પણ અનેક વખત પોરબંદરમાં રહીને પાકિસ્તાનને દેશની ગુપ્ત માહિતી આપી રહેલા શખ્સો પકડાયા છે ત્યારે વધુ એકવાર પોરબંદરના સુભાષનગર વિસ્તારમાંથી ગુજરાત ATSની ટીમે જતીન જીતેન્દ્ર ચારણીયા નામના જાસૂસને પકડી લીધો છે.હાલ તેની પૂછપરછ ચાલી રહી છે.
પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે કે, આ શખ્સ સોશ્યલ મીડિયા દ્વારા પાકિસ્તાની જાસુસી સંસ્થા ISISને દેશની ગુપ્ત માહિતી આપતો હતો. છેલ્લાં ઘણા સમયથી તે પોલીસના રડારમાં હતો.પોલીસે કેટલીક વિગતો કન્ફર્મ કરીને હાલ તેની ધરપકડ કરી લીધી છે. આરોપીને કોર્ટમાં રજુ કરી વધુ તપાસ માટે ૭ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે.ત્યાર બાદ વધુ વિગતો બહાર આવશે. હાલ તેની સામે FIR સહિતની કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાત એ.ટી.એસ ના પી.આઈ પી.બી.દેસાઈને ગુપ્ત બાતમી મળી હતી કે જતીન જીતેન્દ્રભાઈ ચારણીયા (ઉ.વ.૨૧ રહે. સુભાષનગર,પોરબંદર) પોરબંદરના દરિયાકાંઠે માછીમારીનો વ્યવસાય કરે છે. તે છેલ્લાં ચારેક મહિનાથી “ADVIKA PRINCE” નામ ધારણ કરનાર કોઈ પાકિસ્તાની એજન્ટ સાથે સંપર્કમાં હતો. ઈન્ડિયન કોસ્ટગાર્ડની જેટી તથા તેના વહાણોની માહિતી ફેસબુક મેસેન્જર, WHATSAPP તથા TELEGRAM,SNAPCHAT જેવી ચેટ અપેલિકેશન્સ મારફતે દુશ્મન દેશ પાકિસ્તાનના એજન્ટને મોકલે છે અને તેના બદલામાં પૈસા મેળવે છે. આમ કરીને તે દેશ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યો હોવાની વિગતો બાદ ATSએ તેની ધરપકડ કરી હતી.
અડવિકાની માંગણી મુજબ જતીન ચારણીયા તેને મેસેજ કરીને પોરબંદર ખાતે જેટી તથા શીપ અંગેની કેટલીક મહત્વની વિગતો મોકલી આપતો હતો. ત્યારબાદ દરિયાનો અને ઇન્ડિયન કોસ્ટગાર્ડના જેટી તથા જેટી ઉપર ઉભેલા શીપનો વિડીયો બનાવી અડવિકાને મોકલી આપતો હતો. જે બદલ અડવિકાએ જતીન ચારણીયાને ટુકડે-ટુકડે કુલ રૂ.૬૦૦૦ મોકલાવ્યા હતા. ત્યારબાદ અડવિકાની સૂચના મુજબ જતીન ચારણીયાએ અડવિકાએ આપેલ તેના ટેલીગ્રામ એકાઉન્ટ પર ચેટ કરવાનું શરૂ કર્યું હતું.
અવાર નવાર ચેટ કરી, મિત્રતા કેળવી, જતીન ચારણીયાનો વિશ્વાસ જીત્યો
આ બાબતે એ.ટી.એસ. ગુજરાતના વરીષ્ઠ અધિકારીઓને જાણ કરતા તેઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટર મૃણાલ શાહ, પોલીસ સબ ઈન્સ્પેક્ટર ડી. વી. રાઠોડ તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટર એચ. ડી. વાઢેરે ટેકનીકલ તથા હ્યુમન રીસોર્સીસ દ્વારા વર્ક આઉટ કરી ઉપરોક્ત ઈસમને પૂછપરછ અર્થે એ.ટી.એસ. અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો છે. પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું છે કે, તે જાન્યુઆરી 2024થી એક Advika Prince નામની ફેસબુક પ્રોફાઈલ સાથે સંપર્કમાં આવ્યો હતો. Advika Prince ફેસબુક પ્રોફાઈલ ધારકે પોતે એક મહિલા હોવાનું જણાવી જતીન ચારણીયા પાસેથી તે પોરબંદર ગુજરાતનો છે અને માછીમારી કરે છે તે માહિતી મેળવી હતી. અવાર નવાર ચેટ કરી, મિત્રતા કેળવી, જતીન ચારણીયાનો વિશ્વાસ જીતી લીધો હતો.
WhatsApp એકાઉન્ટ પાકિસ્તાનથી ઓપરેટ થતું
માહિતીની ખરાઈ કરતા જાણવા મળ્યું હતું કે, અડવીકા અને જતીન ચારણીયાનાઓ વચ્ચે ફેસબુક મેસેન્જર અને ટેલીગ્રામ એકાઉન્ટ ઉપર થયેલી ઘણી ચેટ પ્રાઈવસી સેટીંગ્સ મુજબ 24 કલાકમાં ઓટો-ડીલીટ થઈ ગઈ હતી. જતીન ચારણીયાનાઓએ Advika Princeની માગણી મુજબ ફેસબુક મેસેન્જરથી આ Advika Princeને ઇન્ડિયન કોસ્ટગાર્ડ શીપના વીડિયો તથા વિગતો પણ મોકલી આપી છે. તેમજ, જતીન ચારણીયાના બેંક એકાઉન્ટમાં ટુકડે-ટુકડે અલગ-અલગ જગ્યાએથી કુલ રૂ. 6000 જમા થયા છે. વધુમાં અડવીકાની સૂચના મુજબ જતીન ચારણીયાએ અડવીકાએ આપેલા તેના WhatsApp એકાઉન્ટ પર ચેટ પણ કરેલી છે. જે WhatsApp એકાઉન્ટ પાકિસ્તાનથી ઓપરેટ થઈ રહ્યું હોવાનું બહાર આવ્યું હતું.
ઉપરોક્ત માહિતી તથા પુરાવા આધારે જતીન ચારણીયા તથા પાકીસ્તાની મહિલા એજન્ટ Advika Prince દ્વારા ઇન્ડિયન કોસ્ટગાર્ડના રીસોર્સીસ અંગેની રાષ્ટ્રીય સુરક્ષાને લગતી ગુપ્ત માહિતી ગુપ્ત અને સંવેદનશીલ માહિતી ગેરકાયદેસર રીતે નાણાકીય વળતર મેળવી આપ-લે કરી હોવાથી તેના વિરુદ્ધ ATS PS 3/24 ઈ.પી.કો ક-121-ક તથા 120-બી મુજબ ગુજરાત એ.ટી.એસ ખાતે ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.