હા !એલોન મસ્કે અબજો લોકો સમક્ષ ચૂંટણી સંબંધી ખોટી માહિતી ફેલાવી હતી
અમેરિકામાં પ્રમુખની ચૂંટણી દરમિયાન X ના માલિક એલોન મસ્કે અબજો લોકો સમક્ષ ગેરમાહિતી ફેલાવી હોવાની કબુલાત ખુદ મસ્કના જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડેલ ‘ ગ્રોક ‘ દ્વારા કરવામાં આવી હતી.
હકીકતમાં, X પર એકાઉન્ટ ધરાવતા ગેરી કોપનિક નામના શખ્સે, “શું એલોન મસ્કે ખોટી માહિતી ફેલાવી હતી?” તેવો પ્રશ્ન પૂછ્યો હતો.
તેના જવાબમાં ચેટબોટે જવાબ આપ્યો કે,”હા ! મસ્કે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર ચૂંટણી સહિત અનેક વિષયોમાં ખોટી માહિતી ફેલાવી હોય તેવા નિર્દેશ કરતા ચોક્કસ પુરાવાઓ છે”. ચેટબોટે વધુમાં જણાવ્યું કે મસ્ક પોતે એક્સના માલિક છે. લાખો ફોલોઅર્સ ધરાવે છે. તેમની પોસ્ટ કરોડો અને અબજો લોકો જોવે છે. અને એ બધાને મસ્કે ખોટી માહિતી પીરસી છે.
મસ્કની ગેરમાર્ગે દોરતી પોસ્ટ તથા ખોટા દાવાઓ અબજો લોકો એ જોયા હોવાનું ‘ ગ્રોક ‘ ના ચેટબોટે કબૂલ્યું હતું. સેન્ટર ફોર કાઉન્ટર ઇન ડિજિટલ હેટ ના વિશ્લેષણમાં એક્સ પર મસ્કે ઠાલવેલી ચૂંટણી સંબંધીત ખોટી માહિતી બે અબજથી વધુ વખત જોવામાં આવી હોવાનું ચેટબોટે જણાવ્યું હતું.