ચૂંટણી આવી અને દરોડાની મોસમ ખીલી : ઝારખંડના મુખ્યમંત્રીના અંગત સચિવના 17 ઠેકાણાઓ પર ઇન્કમટેક્સ ત્રાટકી
ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાના મતદાનના પાંચ દિવસ પહેલા ઇન્કમટેક્સ વિભાગે મુખ્યમંત્રી હેમંત સોરનના અંગત સચિવ સુનિલ શ્રીવાસ્તવ તથા તેમના નજીકના લોકોના 17 ઠેકાણા પર દરોડા પાડ્યા હતા.
પ્રાપ્ત વિગત મુજબ શનિવારે સવારે રાંચીમાં આઠ અને જમશેદપુરમાં નવ સ્થળે એક સાથે ઇન્કમટેક્સની ટુકડીઓ ત્રાટકી હતી. ચૂંટણી દરમિયાન હવાલા દ્વારા પૈસાની લેતી દેતી ના રિપોર્ટ મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.
બીજી તરફ ઝારખંડ મુક્તિ મોરચાએ ભાજપના ઇશારે દરોડા પાડવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. જેએમએમના નેતા મનોજ પાંડે એ જણાવ્યું કે અન્ય પક્ષના નેતાઓને પક્ષ પલટો કરાવવામાં નિષ્ફળતા મળ્યા બાદ બીજેપીમાં નિરાશા નું વાતાવરણ છે. રેલીઓમાં પાંખી હાજરી નિહાળીને ભાજપ રઘવાયો થયો છે અને ભયનો માહોલ પેદા કરવા માટે આવી દરોડાઓની કાર્યવાહી કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે ઝારખંડની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી અત્યાર સુધીમાં કેન્દ્રીય એજન્સીઓ દ્વારા દરોડા પાડવાની 10 ઘટનાઓ બની છે. આ અગાઉ પાંચમી નવેમ્બરે મુખ્યમંત્રી હેમંત સોરેનના નજીકના સાથી પંકજ મિશ્રાના ઠેકાણાઓ પર દરોડા પાડી 60 લાખની રોકડ તથા એક કિલો સોનું જપ્ત કરવામાં આવ્યા હતા.