ચૂંટણી પ્રચારમાં એકબીજા વિરુદ્ધ વાકયુદ્ધને લઈ જે.પી.નડ્ડા અને ખડગેને ચૂંટણી પંચની નોટિસ
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી સંદર્ભે ભાજપ અને કોંગ્રેસે એકબીજા વિરુદ્ધ વાકયુદ્ધને લઈ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે અને ચૂંટણી પંચે બંને પક્ષોના રાષ્ટ્રીય અધ્યક્ષો પાસેથી જવાબ માંગ્યો છે. ચૂંટણી પંચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાને પત્ર લખીને માફી માંગવાની માંગ કરી છે. તેમજ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પાસે ભાજપની ફરિયાદનો જવાબ માંગ્યો છે.
ચૂંટણી પંચે બંને પક્ષના અધ્યક્ષો પાસેથી 18 નવેમ્બરે બપોરે 1 વાગ્યા સુધીમાં ઔપચારિક જવાબ માંગ્યો છે. ચૂંટણી પંચે બંને પક્ષોને લોકસભા ચૂંટણી દરમિયાન બહાર પાડવામાં આવેલી અગાઉની સલાહની પણ યાદ અપાવી હતી. જેમાં સ્ટાર પ્રચારકો અને નેતાઓ પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું હતું.
કોંગ્રેસે 14 નવેમ્બરે ચૂંટણી પ્રચાર દરમિયાન ખોટા, વિભાજનકારી, દુર્ભાવનાપૂર્ણ અને નિંદનીય નિવેદનો આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી હતી. વિપક્ષી દળોએ ચૂંટણી પંચને મહારાષ્ટ્ર અને ઝારખંડમાં બાકીના ચૂંટણી પ્રચાર માટે પીએમ મોદી અને શાહને ચૂંટણી સંબંધિત કોઈપણ પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકવા અને આ મામલાની સંપૂર્ણ તપાસ કરવાની માંગ કરી હતી.
ભાજપે 11 નવેમ્બરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ભાજપે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ રાજ્યોને એકબીજાની વિરુદ્ધ ઉભા કરવાનો પ્રયાસ કર્યો હતો.