મતદાર યાદી સુધારવાનો ચૂંટણી પંચને અધિકાર : સુપ્રીમ કોર્ટનું ફરમાન, મહાગઠબંધનને ફટકો
સુપ્રીમ કોર્ટે બિહારમાં ચાલી રહેલી મતદાર યાદી ચકાસણી અને સુધારણાને રોકવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે કહ્યું છે કે તે ચૂંટણી પંચ જેવી બંધારણીય સંસ્થાને તેનું કામ કરતા અટકાવશે નહીં. જોકે, કોર્ટે સૂચન કર્યું હતું કે પંચે મતદાર ચકાસણી માટે આધાર, મતદાર ઓળખપત્ર અને રેશનકાર્ડ જેવા દસ્તાવેજો સ્વીકારવાનું પણ વિચારવું જોઈએ. સુપ્રીમ કોર્ટમાં કેસની આગામી સુનાવણી 28 જુલાઈએ થશે. કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું છે કે સુધારા કરવાનો ચુંટણી પંચને અધિકાર છે. આમ મહાગઠબંધનને ફટકો લાગ્યો છે અને ચુંટણી પંચને રાહત મળી છે. 10 અરજીઓને પગલે ગુરુવારે સુનાવણી પૂરી થઈ હતી.

જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જોયમલ્યા બાગચીની બેન્ચે લગભગ અઢી કલાક સુધી બંને પક્ષોની દલીલો સાંભળી હતી. અરજદાર પક્ષ વતી ગોપાલ શંકરનારાયણ, કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી અને શાદન ફરાસત જેવા વરિષ્ઠ વકીલોએ દલીલો કરી હતી. બીજી તરફ, ચૂંટણી પંચ વતી વરિષ્ઠ વકીલો રાકેશ દ્વિવેદી, મનિન્દર સિંહ અને કેકે વેણુગોપાલે કાર્યભાર સંભાળ્યો.
આ પણ વાંચો : રાજકોટ એરપોર્ટની સુવિધાઓ પેસેન્જરોને નથી પસંદ! કસ્ટમર સર્વેમાં 31માં રેન્ક પર, ગુજરાતનું આ એરપોર્ટ છે નંબર 1 પર
પંચ નાગરિકતા તપાસી શકે નહી
સુપ્રીમ કોર્ટમાં કુલ 11 અરજીઓ સુનાવણી માટે હતી. એનજીઓ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એન્ડ પીપલ્સ યુનિયન સિવિલ લિબર્ટીઝ ઉપરાંત, આરજેડી, કોંગ્રેસ, ટીએમસી જેવા વિરોધ પક્ષોના નેતાઓ દ્વારા પણ અરજીઓ કરવામાં આવી હતી. અરજદારે દલીલ કરી હતી કે ચૂંટણી પંચ નાગરિકતા ચકાસી શકતું નથી. મતદાર ચકાસણી માટે ફક્ત 11 દસ્તાવેજો સ્વીકારવામાં આવી રહ્યા છે. આ યાદીમાં આધાર કાર્ડ, મતદાર ઓળખપત્ર જેવા દસ્તાવેજોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. સમગ્ર પ્રક્રિયા ઝડપથી કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, લાખો લોકોના નામ મતદાર યાદીમાંથી બાકાત રહેવાની સંભાવના છે.

ચુંટણી પંચે શું કહ્યું ?
ચૂંટણી પંચે કહ્યું કે તે કોઈની ધારણાઓનો જવાબ આપી શકતું નથી. તે તેની બંધારણીય જવાબદારી પૂરી કરી રહ્યું છે. તેનો ઉદ્દેશ્ય મોટી સંખ્યામાં મતદારોને યાદીમાંથી બાકાત રાખવાનો છે તેવી આશંકા ખોટી છે. બંધારણની કલમ 324 ચૂંટણી પંચને મતદાર યાદી તૈયાર કરવા અને સુધારવાની જવાબદારી આપે છે. જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 ની કલમ 21(3) તેને મતદાર યાદી સુધારવા માટે ખાસ સઘન ઝુંબેશ ચલાવવાની સત્તા આપે છે. કાયદો આ પ્રક્રિયાને લગતા નિયમો બનાવવાનો અધિકાર પણ આપે છે. મતદારની વાત સાંભળ્યા વિના કોઈનું નામ કપાશે નહી.
આ પ્રકારનું અભિયાન દેશભરમાં ચાલશે
ચૂંટણી પંચે એમ પણ કહ્યું કે, મોબાઇલ ફોન દ્વારા સંદેશા મોકલવા ઉપરાંત, તે ઘરે ઘરે જઈને મતદારોનો સંપર્ક કરી રહ્યું છે. જાન્યુઆરી 2025 ની ડ્રાફ્ટ મતદાર યાદીમાં જે લોકો છે તેમણે ફક્ત એક જ ફોર્મ પર સહી કરવાની રહેશે. સમગ્ર પ્રક્રિયામાં રાજકીય પક્ષો સહિત અન્ય સંગઠનોની ભાગીદારી પણ રાખવામાં આવી છે. જો 1 ઓગસ્ટના રોજ જાહેર થનારી નવી ડ્રાફ્ટ યાદીમાં કોઈનું નામ ન આવે તો પણ તેને સંપૂર્ણ તક આપવામાં આવશે. લોકો પછીથી યાદીમાં પોતાના નામ ઉમેરી શકશે. પંચે એમ પણ કહ્યું કે બિહાર પછી, અન્ય રાજ્યોમાં પણ આવી ઝુંબેશ ચલાવવામાં આવશે.