ચુંટણી પંચે કોની ઉમેદવારી રદ કરી ? જુઓ
ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળની બીરભૂમ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર દેબાશીષ ધરનું ઉમેદવારીપત્ર શુક્રવારે રદ્દ કરી દીધું હતું. . મીડિયા અહેવાલો અનુસાર, ભાજપના ઉમેદવારે તેમના નોમિનેશનની સાથે ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ’ જમા કરાવ્યું ન હતું. જેના કારણે ચૂંટણી પંચે ઉમેદવારી પત્ર રદ કરવાની કાર્યવાહી કરી હતી. દેબાશીષ ધર ભૂતપૂર્વ આઇપીએસ અધિકારી છે અને તેમણે ગયા મહિને જ પદ પરથી રાજીનામું આપ્યું હતું. બીરભૂમ બેઠક પર 13 મી મેના રોજ મતદાન થવાનું છે.
વર્ષ 2021માં યોજાયેલી બંગાળ વિધાનસભાની ચૂંટણી બાદ મમતા બેનર્જીની સરકારે દેબાશીષ ધરને પણ સસ્પેન્ડ કરી દીધા હતા. વાસ્તવમાં વર્ષ 2021માં દેબાશીષ ધર કૂચ બિહારના એસપી હતા. ત્યાં જ સીતલકુચી જિલ્લામાં મતદાન દરમિયાન થયેલા હંગામા બાદ સુરક્ષાદળોએ કરેલા ગોળીબારમાં ચાર લોકો માર્યા ગયા હતા. જ્યારે મમતા સરકારે ચૂંટણી બાદ ચાર્જ સંભાળતાની સાથે જ દેબાશીષ ધરને સસ્પેન્ડ કરી દીધા હતા. બીરભૂમ સીટ પર દેબાશીષ ધરનો મુકાબલો ટીએમસીની શતાબ્દી રોય સાથે હતો. બીરભૂમને ટીએમસીનો ગઢ માનવામાં આવે છે.
લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 36 મુજબ ઉમેદવારે ચૂંટણી દરમિયાન પાણી, મકાન અને વીજળીના બિલ ભરવાના હોય છે. બિલ ચૂકવ્યા પછી આ વિભાગો લખીને આપે છે કે સંબંધિત વ્યક્તિ પર વિભાગનું કંઈ લેણું નથી. આ જ ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ’ ભાજપના ઉમેદવાર દેબાશીષ ધરે જમા કરાવ્યું નહોતું. , દેબાશીષ ધરનું નોમિનેશન રદ્દ થયા બાદ બીજેપીએ દેબતનુ ભટ્ટાચાર્યને પોતાના નવા ઉમેદવાર જાહેર કર્યા છે અને ભટ્ટાચાર્યએ પણ ઉમેદવારી નોંધાવી છે. બીરભૂમ લોકસભા સીટ માટે ચોથા તબક્કામાં એટલે કે 13 મેના રોજ મતદાન થશે.