જાપાન અને ફિલિપિન્સમાં ધરતી ધણધણી : ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા, કોઈ જાનહાનિ નહીં
શનિવારે વહેલી સવારે જાપાન અને ફિલિપાઈન્સમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જાપાનમાં ભૂકંપની તીવ્રતા 5.1 રહી હતી જ્યારે ફિલિપાઈન્સમાં ભૂકંપની તીવ્રતા 5.7 હોવાનું જણાવાયું હતું. જો કે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી નથી. ભૂકંપને પગલે લોકો ડરીને ઘરોની બહાર દોડી આવ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
ઉત્તરપૂર્વ જાપાનમાં શનિવારે સવારે 5.1 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. અહીં મિયાગી અને ફુકુશિમા પ્રાંતમાં તીવ્ર આંચકા અનુભવાયા હતા, પરંતુ સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી ન હતી. અગાઉ જાપાનની હવામાન એજન્સીએ શનિવારે સવારે 4:10 વાગ્યે જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા 4.10 હતી. જોકે હજુ સુધી કોઈ મોટી જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી.
બીજી બાજુ જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સીસએ જણાવ્યું હતું કે ફિલિપાઈન્સના મિંડાનાઓ ટાપુ પર શનિવારે 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર 10 કિમીની ઊંડાઇએ હતું.જો કે આ વિસ્તારમાં વારંવાર હળવા ભારે ભૂકંપ થતાં જ રહે છે. શનિવારે જોકે તીવ્રતા વધુ હતી પણ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહતી. લોકો થોડીવાર બાદ પોતપોતાનાં ઘરોમાં ચાલ્યા ગયા હતા.