બિહાર, નેપાળ, તિબેટ અને પાકિસ્તાનમાં ભૂકંપ : પટનામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા : નુકસાની કે જાનહાની નહીં
શુક્રવારે સવારે ત્રણ કલાકમાં, ભારત, નેપાળ, તિબેટ અને પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. સવારે 2:36 વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા 5.5 હતી. આ ઉપરાંત પાકિસ્તાનમાં પણ ધરતી હચમચી હતી જ્યાં તેની તીવ્રતા 4.5 માપવામાં આવી હતી.આ ત્રણેય સ્થળોએ કોઈ નુકસાનના અહેવાલ નથી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી પ્રમાણે, નેપાળના બાગમતી પ્રાંતમાં સવારે લગભગ 2.35 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેપાળનો બાગમતી પ્રાંત બિહારના મુઝફ્ફરપુરથી 189 કિલોમીટર ઉત્તરમાં આવેલો છે.
પાકિસ્તાનમાં પણ સવારે 5:14 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો પોતાના ઘરની બહાર નીકળી આવ્યા હતા. ભૂકંપની તીવ્રતા 4.5 હતી. શુક્રવારે સવારે 2.48 વાગ્યે, તિબેટમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.1 હતી. અહીં પણ આ સમયગાળા દરમિયાન કોઈ જાનમાલનું નુકસાન થયું નથી. આ ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીથી 70 કિલોમીટરની ઊંડાઈએ હતું.