દુષ્યંતની દુર્દશા તો જો થઈ છે !
હરિયાણાના પૂર્વ નાયબ મુખ્યમંત્રીની ડિપોઝિટ પણ ગઈ
હરિયાણામાં ભાજપના સ્ટીમ રોલરમાં નાની પાર્ટીઓ અને મોટી ગણાતી પ્રાદેશિક પાર્ટીઓનો સફાયો થયો છે. વર્ષ 2019 પછી જેજેપી એટલે કે જનનાયક જનતા પાર્ટીના દુષ્યંત ચૌટાલા કિંગ મેકર બન્યા હતા. મંગળવારે આવેલા પરિણામો મુજબ દુષ્યંત પોતાની ડિપોઝિટ પણ બચાવી શક્યા નથી. અત્યંત કારમી હારનો સામનો કર્યો છે.
ભારતીય જનતા પાર્ટી સાથે બનેલી ગઠબંધન સરકારમાં દુષ્યંતને નાયબ મુખ્યમંત્રી પણ બનાવવામાં આવ્યા હતા. જયારે હવે પાંચ વર્ષ બાદ એવી સ્થિતિ છે કે હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં તેઓ પોતે કે ન તો પાર્ટીનો કોઈ ઉમેદવાર ચૂંટણી જીતી શક્યો છે. આ ઉપરાંત સમગ્ર પાર્ટીનો વોટ શેર 1%ને પણ પાર કરી શક્યો નથી.
જેજેપી અને ભાજપનું ગઠબંધન તૂટી ગયું અને પાર્ટીના સભ્યો અલગ થઈ ગયા અને 2024ની વિધાનસભાની ચૂંટણી તેમના માટે મોટો આંચકો સાબિત થઈ છે.
હરિયાણાની ઉચાના કલાન બેઠક પરથી ચૂંટણી લડનાર દુષ્યંતને 5 ટકાથી ઓછા મત મળ્યા હતા. તેમજ તેમનું નામ પાર્ટીના એવા નેતાઓમાં સામેલ હતું કે જેમની ડિપોઝીટ જપ્ત કરવામાં આવી હતી.
