યુધ્ધને પગલે પેટ્રોલ -ડિઝલ મોંઘા થઈ શકે
નાણાંમંત્રી નિર્મલા અને મંત્રી પૂરીએ સંભાવના દર્શાવી
ઈઝરાયલ- પેલેસ્ટાઈન સંઘર્ષની વચ્ચે પેટ્રોલ અને ડીઝલની કિંમતોને લઈને સરકારની તરફથી નિવેદન આપવામાં આવ્યું છે. સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે આવનારાં દિવસોમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો જોવા મળી શકે છે.
યુદ્ધ બાદ કાચા તેલની કિંમતોમાં વધારો જોવા મળ્યો છે. હાલનાં સમયમાં બ્રેંટ ક્રૂડ ઓઈલનાં ભાવ 90 ડોલર પ્રતિ બેરલ ચાલી રહ્યાં છે. આવનારા સમયમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં 6%નો વધારો એટલે કે 5 ડોલર પ્રતિ બેરલનો વધારો જોવા મળી શકે છે. નાણામંત્રી નિર્મલા અને કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પૂરીએ આ મુજબની આશંકા દર્શાવી છે.
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે આપણે 3 પડકારોનો સામનો કરી રહ્યાં છીએ- ઉપલબ્ધતા, સામર્થ્ય અને સ્થિરતાં. હાલમાં ઉપલબ્ધતાને લઈને ચિંતા નથી કારણકે જે દેશો પાસેથી આપણે કાચું તેલ આયાત કરીએ છીએ તેમની સંખ્યા 27થી વધીને 39 થઈ ગઈ છે.
જો એક ક્ષેત્રમાં સમસ્યા થાય છે તો બીજા ક્ષેત્રમાંથી આપૂર્તિ પ્રાપ્ત કરી શકાય છે. જ્યાં સુધી સામર્થ્યનો સવાલ છે તો એ ઉપલબ્ધતા સાથે સંકળાયેલો છે. જો બજારોમાં ઉપલબ્ધ તેલની માત્રા એકાએક ઓછી થઈ જાય છે તો કિંમતો વધી શકે છે. સ્થિરતા માટે આપણે હરિત ઊર્જા સંક્રમણમાં પોતાની સ્થિતિને કમજોર નથી થવા દીધું.