ગેરેજની આડમાં ડ્રગ બનાવવાનું કારખાનુ ઝડપાયું : કર્ણાટકના મૈસુરમાં મુંબઈ પોલીસની કાર્યવાહી, 382 કરોડનું ડ્રગ્સ જપ્ત
કર્ણાટકનાં મૈસૂર ખાતે ગૅરેજની આડમાં ધમધમતા ડ્રગ્સ બનાવવાના કારખાના પર દરોડો પાડી મુંબઈની સાકીનાકા પોલીસે અંદાજે 382 કરોડ રૂપિયાનું મેફેડ્રોન (MD) જપ્ત કર્યું હતું. ડેપ્યુટી પોલીસ કમિશનર દત્તા નલાવડેએ જણાવ્યું હતું કે આ કેસમાં અગાઉ સાકીનાકા પોલીસે વસઈના કામણ ગાંવ ખાતેની એક લૅબોરેટરી પર કાર્યવાહી કરી ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. લૅબોરેટરીમાં એમડી ડ્રગ બનાવવામાં આવતું હતું. અંદાજે આઠ કરોડ રૂપિયાનું એમડી અને લૅબોરેટરીમાંનાં સાધનો જપ્ત કરવામાં આવ્યાં હતાં.
આ પણ વાંચો : ITનું કરચોરી સામે AIનું શસ્ત્ર :1 કરોડ કરદાતાઓએ રિટર્ન અપડેટ કર્યા,11,000 કરોડ ટેક્સની વસુલાત
વસઈની લૅબોરેટરીના કેસની તપાસમાં પોલીસે બાન્દ્રા રેકક્લેમેશન ખાતેથી આરોપી સલીમ ઈમ્તિયાઝ શેખ ઉર્ફે સલીમ લંગડા (45)ની ધરપકડ કરી હતી. એમડી ડ્રગ કર્ણાટકના મૈસૂર ખાતેથી ખરીદવામાં આવ્યું હોવાનો ખુલાસો લંગડાએ કર્યો હતો.

આરોપી લંગડા પાસેથી મળેલી માહિતીને આધારે પોલીસની એક ટીમ મૈસૂર પહોંચી હતી. શહેરના રિંગ રોડ પરના સર્વિસ રોડ ખાતે આવેલા એક ગૅરેજમાં એમડી બનાવવાનું કારખાનું શરૂ કરવામાં આવ્યું હતું. કારનાખા પર રેઇડ કરતાં અંદાજે 392 કરોડ રૂપિયાનું 188 કિલો એમડી મળી આવ્યું હતું. એ સિવાય કારખાનામાંથી એમડી બનાવવા માટેનો કાચો માલ અને સાધનસામગ્રી પણ જપ્ત કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.