દવામાં ભેળસેળ અને આંતરરાજ્ય વિતરણ કૌભાંડ પરથી પડદો ઉચકાયો
ઉત્તરાખંડમાં આવેલી નેક્ટર હાર્બ એન્ડ ડ્રગ્સ નામની કંપનીમાંથી નકલી દવાનો જથ્થો ઝડપાયો
તેલંગાણાના ડ્રગ કંટ્રોલ વિભાગ તેમજ હૈદરાબાદના કમિશ્નર ટાસ્ક ફોર્સ દ્વારા નકલી દવાઓના ઉત્પાદન અને વિતરણ સાથે જોડાયેલ ગેર કાયદેસર ઇન્ટર સ્ટેટ નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. આ ઓપરેશનનું ફોકસ ઉત્તરાખંડમાં આવેલા નેક્ટર હર્બ એન્ડ ડ્રગ નામની કંપની પર રહ્યું હતું જે અનેક રાજ્યોમાં ગેરકાયદેસર રીતે દવાની ગતિવિધિઓમાં સામેલ છે.
આ સંયુક્ત ઓપરેશનમાં દવામાં ભેળસેળનું મોટું કૌભાંડ બહાર આવ્યું હતું. અનેક દવાઓમાં ચોક પાવડર મિક્સ કરવામાં આવતો હતો અને આવા પાવડરવાળી ડમી ગોળીઓનો જથ્થો પણ કબજે લેવામાં આવ્યો હતો.
અધિકારીઓએ એન્ટિ બાયોટિક ઓમનિસેફ નામની દવાના 38 હજારથી વધુ નકલી પીસ કબજે કર્યા હતા. એ જ રીતે 60 કિલો ઓરેન્જ કલરની ગોળીઓ સહિત કુલ રૂ.44.3 લાખનો સ્ટોક જપ્ત કરી લીધો હતો. અધિકારીઓએ એવી માહિતી આપી હતી કે, કોરોનાકાળ દરમિયાન નકલી રેમડેસીવીર બનાવવામાં પણ આ કંપની સામેલ હતી.
સરકારને એવી માહિતી પણ મળી છે કે, સામાન્ય રીતે દરરોજ વપરાશમાં આવતી દવાઓના 51 નમૂના ગુણવત્તા પરીક્ષણમાં ફેઇલ થયા છે અને તેમાંથી ત્રણ નકલી હોવાનું બહાર આવ્યું છે. નકલી દવાના દૂષણને ડામવા માટે કેન્દ્ર સરકારે ટોપ 300 દવાઓના પેકેજિંગ પર કયુઆર કોડ લગાવવાનો આદેશ પણ આપ્યો હતો.