દિવ્યાંગની મજાક ન ચાલે, જાહેર માફી માંગો : 5 કોમેડિયન્સને સોશિયલ મીડિયા પર માફી માંગવા સુપ્રીમ કોર્ટનો હુકમ
સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા અને યુટ્યૂબ ઈન્ફ્લુએન્સર્સ પર ગમે-તેની મજાક કરવા બદલ આકરૂ વલણ લેતાં નોંધ લીધી હતી કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મન્સનો ઉપયોગ કરી કમાણી કરતાં ઈન્ફ્લુએન્સર્સનું કન્ટેન્ટ વાણી સ્વાતંત્ર્યની કેટેગરીમાં આવતુ નથી. તેની ગણના કોમર્શિયલ સ્પીચમાં થશે. સુપ્રીમ કોર્ટે સમય રૈનાના શોમાં દિવ્યાંગજનો પર અસંવેદનશીલ ટીપ્પણી બદલ પાંચ સ્ટેન્ડ-અપ કોમેડિયન્સને બિનશરતી માફી માગવા આદેશ આપ્યો હતો.

જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફીથી પીડિત બાળકોના માતા-પિતા તેમજ સ્વૈચ્છિક સંસ્થા એસએમએ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાની તરફેણમાં આ આદેશ કર્યા હતા.
સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈના, વિપુલ ગોયલ, પરમારજીત સિંહ ઘઈ, નિશાંત જગદીશ તંવર અને સોનાલી આદિત્ય દેસાઈ વિરૂદ્ધ દિવ્યાંગજનો પર અસંવેદનશીલ ટીપ્પણીઓ કરવાનો આરોપ મૂકાયો હતો. સુપ્રીમ કોર્ટે આ તમામ કોમેડિયન્સને પોતાની યુટ્યુબ અને પોડકાસ્ટ ચેનલ પર દિવ્યાંગજનોને બિનશરતી માફી માગવા આદેશ આપ્યો છે. તેમજ આગળ જતાં દિવ્યાંગજનો પર આ પ્રકારના ઉપહાસ ન થાય તેની ખાતરી સુનિશ્ચિત કરવા કહ્યું છે.

સુપ્રીમ કોર્ટની બેન્ચે આગામી સુનાવણીમાં આ કોમેડિયન પર દંડ લાદવા મુદ્દે નિર્ણય લેવાનું પણ જણાવ્યું છે. જસ્ટિસ કાંતે ઈન્ફ્લુએન્સર્સને કહ્યું હતું કે, ‘પસ્તાવા કરતાં ગુનો મોટો છે. તેમાં તિરસ્કારની ભાવના રહેલી છે. જેથી તેમને દંડ પણ ફટકારવામાં આવશે. પહેલાં તમારા પોડકાસ્ટ અને ચેનલ્સ પર જઈને માફી માગો બાદમાં અમને જણાવો કે તમે કેટલો દંડ ચૂકવી શકો છો.’ તમામ પાંચ ઈન્ફ્લુએન્સર્સ કોર્ટ સમક્ષ હાજર રહ્યા હતા.
