યુદ્ધ વિરામની કોઈ વાત પણ ન કરશો: નેતન્યાહુની સાફ વાત
એક રાતમાં હમાસના 600 લક્ષ્યો પર બોમ્બેમારો ગાઝ સ્ટ્રીપ માં ઇઝરાયલી ટેંકોની અવિરત આગેકુચ
ઇઝરાયલે યુનાઇટેડ નેશન અને અન્ય દેશો દ્વારા કરવામાં આવેલી યુદ્ધ વિરામ ની માગણીને વધુ એક વખત ફગાવી દીધી છે. તેમણે કહ્યું કે હમાસ ઉપર સંપૂર્ણ વિજય ન મળે ત્યાં સુધી હુમલાઓ અવિરત ચાલુ રહેશે. તેમણે શબ્દો ચોર્યા વગર જણાવ્યું કે હું આ બાબત સ્પષ્ટ કરી દેવા માગું છું. જેવી રીતે પર્લ હાર્બર ઉપરના હુમલા કે 9 /11 ના હુમલા પછી અમેરિકા યુદ્ધ વિરામ માટે સહમત ન થયું હોય એ જ રીતે ઇઝરાયેલ પણ યુદ્ધ વિરામ માટે સંમત નહીં થાય. તેમણે ઉમેર્યું કે યુદ્ધ વિરામનો અર્થ તો ઈઝરાયેલ હમાસ અને આતંકવાદને શરણે થતું હોય તેવો થશે પણ એવું કદી બનશે નહીં. તેમણે કહ્યું કે આ યુદ્ધનો સમય છે, યુદ્ધ વિરામનો નહીં.
બીજી તરફ ઇઝરાયલે યુદ્ધના 25માં દિવસે પણ ગાઝા ઉપર હવાઈ અને જમીની હુમલાઓ જારી રાખ્યા હતા. ઇઝરાયલી લશ્કરના પ્રવક્તાએ સોમવારની રાત્રે હમાસના એન્ટી ટેન્ક મિસાઈલ લોન્ચ પેડ તથા રોકેટ લોન્ચર પોસ્ટ સહિત 600 જેટલા લક્ષ્ય ઉપર બોમ્બમારો કર્યો હોવાનો દાવો કર્યો હતો. ઇઝરાયલી સેનાએ જમીની હુમલા ચાલુ રાખ્યા હતા. ગાઝાના નગરોમાં ઇઝરાયેલ ની ટેન્કો દોડતી હોય તેવા અસંખ્ય વિડિયો વાયરલ થયા હતા. જમીની હુમલા દરમિયાન ઇઝરાયેલ સેનાએ હમાસના 150 થાણા નષ્ટ કર્યા હોવાનો લશ્કરે દાવો કર્યો હતો. આ બધા વચ્ચે અમેરિકાએ ઈરાકના આઈન એરપોર્ટ ઉપર ડ્રોન વડે હુમલા કર્યા હતા. ઇઝરાયલે મિસાઈલ મારો કરી લેબેનોનમાં હેઝબોલ્લાહના અનેક લશ્કરી ઠેકાણાઓ સાફ કરી નાખ્યા હતા.
ગાઝાની હોસ્પિટલો પર હુમલા
યુનાઇટેડ નેશન્સની સહાય એજન્સીઓએ ગાઝામાં ઇઝરાયલ દ્વારા હોસ્પિટલો તેમજ તેની આસપાસના વિસ્તારમાં અવિરત બોમ્બ મારો કરાતો હોવાની ફરિયાદ કરી હતી.પેલેસ્ટાઇન ઓથોરિટી ના પ્રવક્તાએ ગાઝાની ઇન્ડોનેશિયા હોસ્પિટલ, તુર્કેશ ફ્રેન્ડશીપ હોસ્પિટલ, યુરોપિયન હોસ્પિટલ તથા અલ કવાદ હોસ્પિટલ ની આસપાસના વિસ્તારોમાં બોમ્બમારો થયો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ હુમલાઓમાં હોસ્પિટલના કેટલાક વિભાગોને પણ નુકસાન થયું હતું. પેલેસ્ટાઈન સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર અનેક હેલ્થ સેન્ટર,એમ્બ્યુલન્સ તેમજ હેલ્થ કેર વર્કર્સ ઇઝરાયેલી હુમલાઓનો ભોગ બન્યા છે.
અમેરિકા યુદ્ધ વિરામ નથી ઇચ્છતું
યુનાઇટેડ નેશનલ અને અન્ય દેશોની યુદ્ધ વિરામની માગણીમાં કુવેતના શેખે પણ સુર પુરાવ્યો હતો. જોકે વડાપ્રધાન નેતન્યાહુએ યુદ્ધ વિરામ નો ઇન્કાર કરી દીધા બાદ અમેરિકાએ પણ યુદ્ધ વિરામ ને નકાર્યું હતું. અમેરિકાની નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના પ્રવક્તા જ્હોન કિરબી એ કહ્યું કે યુદ્ધ વિરામ એ યોગ્ય પ્રતિક્રિયા હોય તેવું અમે નથી માનતા. અમેરિકા યુદ્ધ વિરામ ની માગણીને સમર્થન નથી આપતું.
અમેરિકા જ પાપનું મૂળ: પુતિન
રશિયામાં ઉતરેલા ઇઝરાયેલી વિમાનને ઘેરી લઈ હુમલો કરવાના થયેલા પ્રયાસ ની ઘટના પાછળ અમેરિકા નો દોરી સંચાર હોવાનો પુતીને આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે મધ્ય પૂર્વના ઘર્ષણના મૂળમાં અમેરિકા જ છે. વિશ્વભરમાં થતા યુદ્ધોથી એકમાત્ર અમેરિકાને જ ફાયદો થાય છે.
દરરોજ 420 બાળકો મરે છે
યુનાઇટેડ નેશનના પ્રવક્તાએ ગાઝાની હાલત અત્યંત દયનીય હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ઇઝરાયેલના હુમલામાં દરરોજ 420 કરતા વધુ બાળકોનો ભોગ લેવાય છે. અત્યાર સુધીમાં ઇઝરાયેલા કરેલા હુમલામાં 8,300 કરતાં વધારે નાગરિકોના મૃત્યુ થયા છે જેમાં મોટાભાગના બાળકો અને મહિલાઓ છે. ગાઝા ને મળતી સહાય પર્યાપ્ત ન હોવાનું જણાવી તેમણે કહ્યું કે ખોરાક પાણી અને દવા અને ડીઝલનો પૂરતો જથ્થો નહીં મળે તો હજારો લોકો માર્યા જશે.