કોઈને મિયાં કહેવાથી શું ગુનો બને છે ? શું કહ્યું સુપ્રીમ કોર્ટે ? વાંચો
- કોઈને મિયાં કે પાકિસ્તાની કહેવાથી ગુનો બનતો નથી
- સુપ્રીમ કોર્ટનું મહત્વનું ફરમાન : આવા શબ્દોથી સંબોધન યોગ્ય નથી પણ તેમાં કોઇની ધાર્મિક લાગણી દુભાતી નથી, કોઈ કેસ બનતો નથી
સુપ્રીમ કોર્ટે મંગળવારે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે કોઈને ‘મિયાં-તિયાં’ અથવા ‘પાકિસ્તાની’ કહેવું ભલે અયોગ્ય હોય, પરંતુ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા જેવો ગુનો નથી. જસ્ટિસ બી.વી. નાગરત્ના અને સતીશ ચંદ્ર શર્માની બેન્ચે એક સરકારી કર્મચારીને ‘પાકિસ્તાની’ કહેવાના આરોપી વ્યક્તિ સામેના કેસને બંધ કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. અદાલતે કહ્યું હતું કે આમાં કોઈ કેસ બનતો જ નથી.
આ ફરિયાદ ઝારખંડના એક ઉર્દૂ અનુવાદક અને એક કાર્યકારી કારકુને નોંધાવી હતી. ફરિયાદીના જણાવ્યા મુજબ, જ્યારે તે સૂચનાના અધિકાર અરજી અંગે માહિતી આપવા માટે આરોપીને મળવા ગયો, તો આરોપીએ તેના ધર્મનો ઉલ્લેખ કરીને તેની સાથે ગેરવર્તન કર્યું હતું.
તેમણે એમ પણ કહ્યું કે તેમને તેમની સત્તાવાર ફરજો નિભાવતા અટકાવવા માટે ગુનાહિત બળનો ઉપયોગ કરવામાં આવ્યો. જેના લીધે એ વ્યક્તિ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 298 (ધાર્મિક લાગણીઓ ભડકાવવા), 504 (શાંતિ ભંગ કરવાના ઈરાદાથી અપમાન) અને 353 (જાહેર સેવકને તેમની ફરજ બજાવવાથી રોકવા માટે હુમલો અથવા ગુનાહિત બળ) હેઠળ ગુનાઓ અંતર્ગત એફઆઇઆર નોંધવામાં આવી હતી.
ઝારખંડ હાઈકોર્ટના આદેશને ફગાવી દેતાં સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, અપીલકર્તા પર ‘મિયાં-તિયાં’ અથવા ‘પાકિસ્તાની’ કહીને માહિતી આપનારની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. નિઃશંકપણે, આરોપીએ આપેલા નિવેદન યોગ્ય નથી. જોકે, આ માહિતી આપનારની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા જેવું નથી.