શું તમારે આધારકાર્ડ અપડેટ કરાવવું છે? તો ઓળખના પુરાવા માટે આ ડોક્યુમેન્ટની પડશે જરૂર, UIDAIએ જાહેર કર્યું નવું લિસ્ટ
યુઆઈડીએઆઈ(UIDAI)એ નવા આધાર કાર્ડ બનાવવા અથવા હાલના આધાર કાર્ડમાં કોઈપણ પ્રકારના અપડેટ માટે જરૂરી દસ્તાવેજોની નવી યાદી બહાર પાડી છે. તેથી લોકોને આધાર કાર્ડમાં કોઈપણ પ્રકારનું અપડેટ અથવા ફેરફાર કરવો હોય તો હવે નવી યાદી અનુસાર દસ્તાવેજોની જરૂર પડશે. ભારતીય નાગરિકો ઉપરાંત આ નવો નિયમ વિદેશમાં રહેતા ભારતીય નાગરિકો (OCI કાર્ડધારકો), 5 વર્ષથી વધુ ઉંમરના બાળકો અને લાંબા ગાળાના વિઝા પર રહેતા લોકો માટે લાગુ પડશે.

ઓળખના પુરાવા માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે
યુઆઈડીએઆઈએ આધારમાં બદલાવ કરવાની ત્રણ મહત્વની બાબતો ઓળખ, ઘરનું સરનામું, જન્મ તારીખ માટે અલગ અલગ દસ્તાવેજો નક્કી કર્યા છે. ઓળખના પુરાવા માટે, પાસપોર્ટ, પાન કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, સરકારી કંપની દ્વારા જાહેર કરાયેલ ફોટો ઓળખ કાર્ડ, મનરેગા કાર્ડ, પેન્શનર કાર્ડમાંથી એક દસ્તાવેજ જરૂરી રહેશે. સરનામાના પુરાવા માટે, વીજળી, પાણી, ગેસ, લેન્ડલાઇન બિલ, બેંક પાસબુક, રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, ભાડા કરાર, પેન્શન, સરકાર દ્વારા જાહેર કરાયેલ રહેઠાણ પ્રમાણપત્ર જેવા કોઈપણ દસ્તાવેજોની જરૂર પડશે.
આ પણ વાંચો : દર્શકોના દિલ પર રાજ કરવા ફરી આવી તુલસી : ક્યોંકી સાસ ભી કભી બહુ થી’નો ફર્સ્ટ લૂક રિલીઝ, આ શોને આપશે ટક્કર

જન્મ તારીખ બદલવા માટે કયા દસ્તાવેજની જરૂર
તેમજ જન્મ તારીખના પુરાવા માટે, શાળાની માર્કશીટ, જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ, જન્મ તારીખ ધરાવતું સરકારી પ્રમાણપત્ર જેવા કોઈપણ દસ્તાવેજોની જરૂર પડશે. UIDAIએ આધાર કાર્ડમાં મફત ઓનલાઈન અપડેટની સુવિધા 14 જૂન 2026 સુધી લંબાવી છે. ઉલ્લેખનીય છે કે આજના સમયમાં આધાર કાર્ડ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બન્યો છે. આધાર કાર્ડ વિના કોઇ પણ મહત્વપૂર્ણ કામ અટકી શકે છે. આ ઉપરાંત આધાર કાર્ડ વિના તમે ઘણી સરકારી યોજનાઓથી પણ વંચિત રહી શકો છો.