આજે અફઘાન-ઑસ્ટ્રેલિયા વચ્ચે ‘કરો યા મરો’ મુકાબલો : બપોરે ૨:૩૦ વાગ્યાથી લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ પર ટક્કર, 300+ રન બની શકે
આજે ચેમ્પિયન્સ ટ્રોફીમાં એક અત્યંત મહત્ત્વનો મુકાબલો રમાશે. આ મેચ બન્ને ટીમો માટે સેમિફાઈનલમાં પહોંચવાનો રસ્તો ક્લિયર કરશે. જીતનારી ટીમ સીધી સેમિફાઈનલમાં પહોંચશે અને હારનારી ટીમે બીસ્તરા-પોટલા બાંધવા ફરજિયાત બની રહેશે. આ મેચ ઑસ્ટ્રેલિયા-અફઘાનિસ્તાન વચ્ચે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ પર રમાશે.
અત્યાર સુધી ગદ્દાફી સ્ટેડિયમની હાઈ-સ્કોરિંગ પીચ ઉપર ફાસ્ટ અને સ્પીન એમ બન્ને બોલરોને ખાસ મદદ મળી નથી આવામાં આ પીચ ઉપર ફરીથી પહાડ જેવડો સ્કોર બની શકે છે. આ મેદાન પર ઈંગ્લેન્ડ-ઑસ્ટ્રેલિયા વચ્ચે થયેલી ટક્કરમાં ૩૫૦ રન ચેઈઝ થયા હતા. જ્યારે અફઘાને ઈંગ્લેન્ડ સામે ૩૨૫ રન બનાવ્યા બાદ જીત મેળવી હતી. આવામાં અફઘાન-ઑસ્ટ્રેલિયા વચ્ચે પણ ૩૦૦+ રન બની શકે છે.
ઑસ્ટ્રેલિયા-અફઘાન વચ્ચે અત્યાર સુધી ચાર વન-ડે રમાઈ છે જે ચારેય ઑસ્ટ્રેલિયાએ જ જીતી હતી. ૨૦૨૩ના વર્લ્ડકપ દરમિયાન અફઘાન ટીમ ઑસ્ટ્રેલિયાને લગભગ હરાવી જ ચૂકી હતી પરંતુ અંતમાં ગ્લેન મેક્સવેલે બેવડી સદી બનાવીને અફઘાનને જીતથી દૂર રાખ્યું હતું.
અફઘાને ઈંગ્લેન્ડને હરાવ્યા બાદ હવે ઑસ્ટ્રેલિયા સામે પણ આવી જ રમતનું પ્રદર્શન કરવાના ઈરાદે ઉતરશે તો ઑસ્ટ્રેલિયા પણ કોઈ કસર રાખશે નહીં કેમ કે આફ્રિકા સામેની મેચ વરસાદને કારણે ધોવાઈ ગયા બાદ હવે તેણે કોઈ પણ ભોગે આ મેચ જીતવી જ પડશે.