કરો જલસા! મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો : લાખો કર્મચારીઓને થશે લાભ, જાણો કેટલો પગાર વધશે?
કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે. કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 3% વધારો મંજૂર કર્યો હતો. આ વધારો 1 જુલાઈથી અમલમાં આવશે. કર્મચારીઓને ઓક્ટોબરમાં તેમના વધેલા પગાર સાથે ત્રણ મહિનાનો બાકી પગાર મળશે. આ સાથે, કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું તેમના મૂળ પગારના 58% સુધી પહોંચી ગયું છે. આ બધાની દિવાળી સુધરી ગઈ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બેઠકમાં લેવાયેલા નિર્ણયોની વિગતો આપી હતી. આ ઉપરાંત અન્ય કેટલાક મહત્વના નિર્ણય લેવાયા હતા.
વૈષ્ણવે જણાવ્યું હતું કે આ નિર્ણયથી 4.9 મિલિયન કર્મચારીઓ અને 6.9 મિલિયન પેન્શનરોને ફાયદો થશે. આનાથી સરકારી તિજોરી પર ₹10,084 કરોડનો બોજ વધશે. કેન્દ્ર સરકાર વર્ષમાં બે વાર સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. નિવૃત્ત કર્મચારીઓને મોંઘવારી રાહત મળે છે. અત્યાર સુધી, કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેમના મૂળ પગારના 55% મોંઘવારી ભથ્થા તરીકે મળતા હતા.
આ પણ વાંચો :LPG સિલિન્ડરના ભાવમાં 16 રૂપિયા વધ્યા : તહેવારની સિઝનમાં મોંઘવારીનો ઝટકો
દાળ હવે સસ્તી થશે
આ ઉપરાંત દાળમાં આત્મનિર્ભર મિશનને પણ કેબિનેટે મંજૂરી આપી દીધી હતી. હવે સરકાર મસૂર, અડદ અને તુવેર સહિતની અનેક દાળની પૂરી ખરીદી રજિસ્ટર્ડ ખેડૂતો પાસેથી કરશે. આ માટે રૂપિયા 11440 મંજૂર થયા હતા. એ જ રીતે ખેડૂતો માટે પણ રવિ પાકના ટેકાના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. ઘઉ માટે પરઈ ક્વિન્ટલ રૂપિયા 160 વધારીને રૂપિયા 2585 કરી દેવાયા છે. આમ દાળ હવે સસ્તી થઈ શકે છે.
પગાર કેટલો વધશે?
જો કોઈ કર્મચારીનો મૂળ પગાર 50,000 રૂપિયા હોય, તો તેમને પહેલા ૫૫% ડીએ પર 27500રૂપિયા મળતા હતા. હવે, 58% ડીએ પર, તેમને 29000 રૂપિયા મળશે. આનાથી તેમના પગારમાં દર મહિને 1500રૂપિયાનો વધારો થશે. તેવી જ રીતે, જો કોઈ પેન્શનરનું મૂળ પેન્શન 25000 રૂપિયા હોય, તો 55% ડીએ પર 13750 રૂપિયા હતા. હવે, 58% ડીએ પર, તેમને 14500 રૂપિયા મળશે.
