‘1 કરોડ આપો તો જ છૂટાછેડા થશે…’ રાજકોટમાં ‘માથાભારે’ વહુનો સાસરિયાના ઘર પર પથ્થરમારો,જાણો શું છે સમગ્ર મામલો
રાજકોટના કોઠારિયા મેઈન રોડ ઉપર કેદારનાથ સોસાયટીમાં રહેતા પરિવાર પર માથાભારે વહુએ `એક કરોડ રૂપિયા આપો તો જ છૂટાછેડા થશે’ તેવી ધમકી આપી ઘર ઉપર પથ્થરમારો કરતાં ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
આ અંગે કેદારનાથ સોસાયટી શેરી નં.1માં પિતૃઆશિષ નામના મકાનમાં રહેતા શારદાબેન મનજીભાઈ ઘવા (ઉ.વ.65)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેમના પુત્ર સુનિલ (ઉ.વ.36)ના 14 વર્ષ પહેલાં રાવકી ગામે દિલીપભાઈ ઠાકરશીભાઈ પાનસુરિયાની પુત્રી કિરણ સાથે લગ્ન થયા હતા. લગ્નજીવનમાં સુનિલ-કિરણને એક પુત્રી અને એક પુત્રનો જન્મ થયો હતો. જો કે પુત્રી અમારી સાથે અને પુત્ર કિરણ સાથે રાવકી ગામે રહે છે. કિરણ સુનિલ સાથે વારંવાર ઝઘડા કરતી હોય દોઢ વર્ષ પહેલાં તેને તેનો ભાઈ આવીને તેડી ગયો હતો. જો કે કિરણ વારંવાર ઘેર આવીને સુનિલ સાથે ઝઘડા કરી રહી હતી. વડિલો દ્વારા સમાધાનનો પ્રયાસ પણ કરાયો હતો પરંતુ સમાધાનના બદલામાં કિરણે એક કરોડ રૂપિયા અથવા મિલકતનો ત્રીજો ભાગ માંગ્યો હોય કોર્ટ મારફતે છૂટાછેડા લેવાનું નક્કી કરાયું હતું.
આ પણ વાંચો :પ્રજાસત્તાક પર્વની પરેડને લીધે દિલ્હી ફ્લાઇટના સમયમાં ફેરફાર: રાજકોટની વહેલી સવારની ઊડાન એક કલાક મોડી
જો કે કિરણે કોર્ટ મારફતે છૂટાછેડા લેવાનો ઈનકાર કરી બે મહિના પહેલાં ઘરે ધસી આવી ઝઘડો કર્યો હતો અને 50,000 રૂપિયા લઈ ગઈ હતી. ગત 8 જાન્યુઆરીએ ફરી કિરણ તેનું સ્કૂટર લઈને ઘેર આવી હતી અને એક કરોડ રૂપિયા આપી દો નહીંતર શારદાબેન અને સુનિલ બન્નેને મારી નાખીશ કહીને ઘર ઉપર પથ્થરના ઘા કરી ગાળાગાળી કરીને ચાલી ગઈ હતી. એકંદરે કિરણ વારંવાર હેરાન-પરેશાન કરતી હોય આખરે તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પતિને પાનની કેબિન હોવાનું જાણવા છતાં આટલા પૈસા માંગ્યા!
પોલીસ તપાસમાં જાણવા મળ્યા પ્રમાણે કિરણના પતિ સુનિલ ઘવા પિતા મનજીભાઈ સાથે સોરઠિયાવાડી શેરી નં.7માં સોનાલી પાન નામે કેબિન ધરાવી વેપાર કરે છે. કિરણ આ બધું જાણતી હોવા છતાં તેણે પતિ અને સાસુ પાસે એક કરોડ રૂપિયા છૂટાછેડાના બદલામાં માંગીને ઘર ઉપર પથ્થરમારો કર્યો હતો. આ અંગેની ફરિયાદ નોંધાતાં જ પોલીસે કિરણની ધરપકડ કરી જેલહવાલે કરી હતી.
