બટોગે તો કટોગે મુદ્દે મહાયુતિ અને ભાજપમાં જ ‘ભાગલા ‘
મહારાષ્ટ્રના ચૂંટણી પ્રચારમાં યોગી આદિત્યનાથે આપેલું ‘બટોગે તો કટોગે ‘ સૂત્ર જોરથી ગાજી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ ‘એક હૈ તો સેફ હૈ ‘ સૂત્ર આપ્યું છે. વિપક્ષો એ સૂત્ર વિભાજનકારી અને વિનાશકારી હોવાનો આક્ષેપ કરે છે. મહાયુતીના સાથી ઘટક પક્ષ એનસીપીના વડા અજીત પવારે પણ એ સૂત્ર મહારાષ્ટ્રની પ્રજા નહી સ્વીકારે તેવો મત વ્યક્ત કરી જાહેરમાં નારાજગી દર્શાવી હતી. તેના પ્રત્યુતરરૂપે કહ્યું દેવેન્દ્ર ફડણવિસે કહ્યું હતું કે અજીત પવાર દાયકાઓથી હિન્દુ આદર્શોના વિરોધી અને સેક્યુલર પક્ષ સાથે જોડાયેલા છે એટલે પ્રજાનો મૂડ સમજવામાં તેમને થોડો સમય લાગશે. બે સાથી પક્ષો વચ્ચે એ સૂત્ર વિષે વિવાદ છે ત્યારે ભાજપના જ બે નેતાઓએ પણ એ સૂત્ર અંગે અલગ સુર આલાપ્યો છે. ભાજપના એક સમયના દિગ્ગજ નેતા ગોપીનાથ મુંડેના પુત્રી પંકજા મુંડેએ કહ્યું કે મારું રાજકારણ અલગ પ્રકારનું છે. હું ભાજપમાં છું માત્ર એટલા કારણોસર જ આ સૂત્રને સમર્થન નહીં આપુ. હું માનું છું કે આપણે એકમાત્ર વિકાસ માટે કામ કરવું જોઈએ. તેમણે ઉમેર્યું કે એક નેતાનું કામ દરેક વ્યક્તિને પોતાના બનાવવાનું છે એટલે આપણે મહારાષ્ટ્રમાં આવા સૂત્રો નહીં લાવવા જોઈએ.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા અને રાજ્યસભાના સભ્ય બનેલા અશોક ચવાણે પણ આ સૂત્ર યોગ્ય ન હોવાનો મત દર્શાવતા કહ્યું કે મહારાષ્ટ્રના લોકોને આ સૂત્ર પસંદ નહીં આવે. વ્યક્તિગત રીતે હું આવા સૂત્રોને સમર્થન નથી આપતો.
એકતા સામે સવાલ: મોદીની જાહેર સભામાં અજીત પવાર ગેરહાજર
મહાયુતીના ઘટક પક્ષોની એકતા દર્શાવવા માટે
છત્રપતિ શિવાજી પાર્ક ખાતે યોજાયેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભામાં અજીત પવાર અને તેમના પક્ષના અન્ય નેતાઓ ગેરહાજર રહેતા મહાયુતીના આંતરિક વિવાદ સપાટી પર આવી ગયા છે. એ જાહેર સભામાં ભાજપ, શિવસેના ( શિંદે ) તથા રામદાસ અઠવલેની પાર્ટી આરપીઆઈના તમામ નેતાઓ અને ઉમેદવારો ઉપસ્થિત હતા. જો કે ખુદ વડાપ્રધાન મોદીની એ સભામાં જો કે અજીત પવાર , નવાબ મલિક, સાના મલિક અને બાબા સીદીકીના પુત્ર ઝીશાન સિદ્દીકી સામેલ ન થતાં વિપક્ષોએ બટોગે – કટોગે ના નારા લગાવનારાઓમાં પોતાનામાં જ એકતા ન હોવાનો કટાક્ષ કર્યો હતો.