બોર્ડર 2માં દિલજીત દોસાંજની એન્ટ્રી.. સાથે જ રિલીઝ ડેટ આવી સામે, જુઓ ક્યારે આવશે સિનેમાઘરોમાં
‘ગદર 2’ની સફળતા બાદ હવે સની દેઓલે તેની આગામી ફિલ્મ ‘બોર્ડર 2’ની સત્તાવાર જાહેરાત કરી છે. જોકે ચાહકોને ખબર હતી કે સની પાજી ‘બોર્ડર 2’ લઈને આવી રહ્યા છે. પરંતુ હવે તેની સત્તાવાર જાહેરાતે ફિલ્મ પર મક્કમ મહોર લગાવી દીધી છે. હવે આ ફિલ્મમાં એક એવો અભિનેતા આવ્યો છે, જેનું નામ સાંભળતા જ લોકોનો આ ફિલ્મ પ્રત્યેનો ઉત્સાહ બેવડાઈ જશે.
આ વર્ષે સફળતાના જોરદાર ફોર્મમાં ચાલી રહેલ દિલજીત દોસાંઝ હવે ‘બોર્ડર 2’નો ભાગ બનવા જઈ રહ્યો છે. આ વિસ્ફોટક પ્રોજેક્ટમાં દિલજીત પણ દેશ માટે સની સાથે ખભે ખભા મિલાવીને લડતો જોવા મળશે.
‘બોર્ડર 2’માં દિલજીતની એન્ટ્રી
શુક્રવારે, નિર્માતાઓએ નવા પ્રોમો સાથે ‘બોર્ડર 2’ ના કલાકારોમાં દિલજીતની એન્ટ્રીની જાહેરાત કરી. પ્રોમોમાં મૂળ ‘બોર્ડર’ ફિલ્મનું ગીત ‘સંદેસે આતે હૈં’ સોનુ નિગમના અવાજમાં સંભળાય છે અને પછી દિલજીતનું નામ લખવામાં આવે છે. આ પ્રોમોમાં દિલજીતના અવાજમાં દેશભક્તિનો સંવાદ પણ છે
દિલજીતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ‘બોર્ડર 2’ની જાહેરાત પણ શેર કરી હતી. પ્રોમો શેર કરતી વખતે તેણે લખ્યું, દેશ તરફ ઉઠવા વાળી દરેક નજર ભયથી ઝૂકી જાય છે, જ્યારે આ સરહદોની રક્ષા ગુરુ દ્વારા કરવામાં આવે છે. ટીઝરમાં અંગ્રેજીમાં લખવામાં આવ્યું છે, બહાદુરોમાંથી સૌથી બહાદુર, સૌથી મોટી લડાઇ માટે આવી રહ્યા છે. પહેલી ગોળી દુશ્મન ચલાવશે અને છેલ્લી ગોળી અમે ચલાવીશું! આવી શક્તિશાળી ટીમની સાથે ઉભા રહેવા માટે હું સન્માનિત છું અને સૈનિક બનવા માટે તૈયાર છું.
વરુણ ધવન અને આયુષ્માન ખુરાના પણ સાથે જોવા મળશે
સની દેઓલે જૂનમાં સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે તે J.P.D. દત્તાની ફિલ્મ ‘બોર્ડર’ (1997)માંથી ફરી તેનું સૈનિક પાત્ર ભજવવા માટે તૈયાર છે અને આ ફિલ્મની સિક્વલ બનવા જઈ રહી છે. આ ફિલ્મને અનુરાગ સિંહ ડાયરેક્ટ કરવા જઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા સનીએ લખ્યું હતું કે, ’27 વર્ષ પહેલા એક સૈનિકે વચન આપ્યું હતું કે તે પાછો આવશે. એ વચન પૂરું કરવા તેઓ ભારતની ધરતીને સલામ કરવા આવી રહ્યા છે.
સત્તાવાર જાહેરાત પછી, નિર્માતાઓએ ‘બોર્ડર 2’ ના કલાકારોની જાહેરાત કરવાનું શરૂ કર્યું. અત્યાર સુધી આ ફિલ્મમાં સનીની સાથે આયુષ્માન ખુરાના અને વરુણ ધવનના નામની જાહેરાત કરવામાં આવી છે. ‘બોર્ડર 2’ની જાહેરાત કરતી વખતે, નિર્માતાઓએ તેને ભારતની ‘સૌથી મોટી યુદ્ધ ફિલ્મ’ ગણાવી હતી. કાસ્ટિંગને જોતા એવું લાગે છે કે મેકર્સ તેમના દાવાને પૂરા કરવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. ‘બોર્ડર 2’ 2025માં રિલીઝ થશે.