બધા જ કેસમાં ડિજિટલ રેકોર્ડની ચકાસણી નહી થાય : CBDTએ કરી ચોખવટ,ટોચના અધિકારી આ કાર્યવાહી પર નજર રાખશે
નવા આવકવેરા કાયદા અંગે CBDT દ્વારા એવી માહિતી અપાઈ હતી કે દેશમાં ટેક્સ અધિકારીઓ દરોડા અને જપ્તિની કાર્યવાહી દરમિયાન જ કરદાતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટની ચકાસણી કરશે ઇ-મેઇલ સહિતના ડિજિટલ રેકોર્ડની ચકાસણી કરવામાં આવશે. દરેક કરદાતાના ડિજિટલ રેકોર્ડની ચકાસણી થવાની નથી. દરેક કેસમાં આ પ્રકારે ચેકિંગ થવાનું નથી.
એવી ચોખવટ પણ કરવામાં આવી છે કે આ કાર્યવાહી કેવી રીતે કરવી તે માટે SOP પણ જાહેર કરવામાં આવશે અને ટેક્સ અધિકારીઓએ આ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. ટોચના અધિકારી આ કાર્યવાહી પર નજર રાખશે.
સીબીડીટીના સભ્ય આર. એન. પરબતે એમ કહ્યું હતું કે નવા કાયદા અને તેની જોગવાઈઓનો હેતુ વ્યાપાર સરળ બનાવવા માટે જ છે. કરદાતાઓને કોઈ હેરાનગતિ ન થાય તેની ખાસ કાળજી લેવાઈ છે. લોકો નિયમોને સરળતાથી સમજી શકે તે માટે જ આ કાયદો બનાવાયો છે.
કરદાતાઓએ કોઈ ભય કે શંકા રાખવાની જરૂર જ નથી કારણ કે ડિજિટલ રેકોર્ડ બધા જ કેસમાં ચકાસવામાં આવશે નહી. કઈ સ્થિતિમાં અને કેવા કેસમાં આ ચેકિંગ કરવાનું છે તે માટે એસઓપી બહાર પડશે અને તે મુજબ જ ટેક્સ અધિકારીઓ કામ કરશે. એ જ રીતે નવો કાયદો એટલી સરળ ભાષામાં તૈયાર કરાયો છે કે આમ આદમી પણ સરળતાથી તે સમજી શકે.
