દિલ્હીની 19 વર્ષની લેડી ડોનની નેપાળ ભાગે તે પહેલાં ધરપકડ
દિલ્હીના રાજૌરી ગાર્ડનમાં આવેલ બર્ગર કિંગ રેસ્ટોરન્ટમાં અમન નામના શખ્સની થયેલી હત્યાના કેસમાં આરોપી એવી લેડી ડોન તરીકે ઓળખાતી 19 વર્ષની યુવતી અનુ ધનકરને દિલ્હી પોલીસે નેપાળ બોર્ડર નજીકથી ઝડપી લીધી હતી.
વિગત એવી છે કે 18મી જૂનના રોજ, હત્યાનો ભોગ બનનાર અમન બર્ગર કિંગ રેસ્ટોરન્ટમાં એક યુવતી સાથે બેઠો હતો ત્યારે બાઈક પર આવેલા કુખ્યાત ગેંગસ્ટર હિમાંશુ ભાઉના ગુંડાઓએ 25 રાઉન્ડ ગોળીબાર કરી તેને મારી નાખ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન અમન સાથે બેઠેલી યુવતી અનુ ધનકર હોવાનું ખુલ્યું હતું. આ ઘટના બાદ દિલ્હીમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી એ યુવતી ગાયબ થઈ ગઈ હતી.
દરમિયાન ચોક્કસ બાતમીના આધારે દિલ્હી પોલીસે લખીમપુર ખેરી પાસે ગોઠવેલી વોચમાં લેડી ડોન ઝડપાઈ ગઈ હતી. ગેંગસ્ટર હિમાંશુ ભાઉની સુચના અને વ્યવસ્થા અનુસાર તે નેપાળ ભાગી જવાની વેતરણમાં હતી. ત્યાંથી તેને અમેરિકામાં સ્થાયી કરી દેવાની ભાઉએ ખાતરી આપી હતી અને તે માટે જરૂરી રકમ હવાલા મારફત મોકલી હતી. માત્ર 19 વર્ષની વયે જ ગુનાખોરી તરફ વળી ગયેલી મૂળ હરિયાણાની આ યુવતીનું નામ ગોહાનામાં મટુ રામ હલવાઈની દુકાનમાં થયેલા ગોળીબારમાં પણ ખુલ્યું હતું.પોલીસના જણાવ્યા મુજબ અનુ ધનકરે અમન સાથે દોસ્તી બાંધી હતી અને તેને બર્ગર કિંગ રેસ્ટોરન્ટમાં બોલાવ્યો હતો. અમન રેસ્ટોરન્ટમાં આવ્યો તે પછી તેણે જાણ કરતા હિમાંશુ ભાઉના સાગરીતો ત્યાં પહોંચી ગયા હતા ને અંધાધુંધ ગોળીબાર કરી અમને પતાવી દીધો હતો.