દિલ્હી હવે ભાજપની : 27 વર્ષ બાદ ભાજપે રાજધાનીની સતા કબજે કરી, 70માંથી 47 બેઠકો પર મેળવ્યો ભવ્ય વિજય
દિલ્હી હવે ‘આપ’ની નહીં પણ ભાજપની છે. દેશની રાજધાનીમાં કમળ પુરબહારના ખીલ્યું છે.દિલ્હીની 70 માંથી 47 બેઠકો પર ભવ્ય વિજય મેળવી ભાજપે 27 વર્ષના લાંબા વનવાસ બાદ ફરી એક વખત દિલ્હીની સત્તા કબજે કરી છે. સતત દસ વર્ષ સુધી શાસન ચલાવનાર અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને દિલ્હીની પ્રજાએ જાકારો આપ્યો છે. આમ આદમી પાર્ટીનું ગાડું માત્ર 23 બેઠક ઉપર અટકી જતા દિલ્હીમાં સતા પરિવર્તન થયું છે. આ ચૂંટણીમાં ત્રીજા પરિબળ તરીકે ઉભરી આવવાનું સ્વપ્ન નિહાળતી કોંગ્રેસ એક પણ બેઠક મેળવી શકી ન હતી. સતત ત્રીજી ચૂંટણીમાં મીંડુ મુકાવતા કોંગ્રેસને કારમો આઘાત લાગ્યો છે.
ભાજપે ફરી એક વખત રાજકીય ચમત્કાર સર્જ્યો છે. 2015 ની ચૂંટણીમાં ફક્ત 3 બેઠકો અને 2020 માં માત્ર 8 બેઠકો મેળવનાર ભાજપે 47 બેઠકો પર ભગવો લહેરાવી આમ આદમી પાર્ટીને મરણતોલ ઝાટકો આપ્યો છે. આમ આદમી પાર્ટીના સ્થાપક અને
ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, મંત્રી સૌરભ ભારદ્વાજ સહિત આમ આદમી પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓને મતદારોએ ધૂળ ચાટતા કરી દેતા આમ આદમી પાર્ટીની છાવણીમાં સન્નાટો વ્યાપી ગયો હતો. જો કે દિલ્હીના મુખ્યમંત્રી આતિશીના વિજયને કારણે આમ આદમી પાર્ટીની થોડી ઘણી આબરૂ બચી ગઈ હતી.

દિલ્હી વિધાનસભાની આ ચૂંટણી તમામ પક્ષો માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ હતી. ભ્રષ્ટાચારના આરોપમાં ઘેરાયેલા અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી સામે સત્તા ટકાવવાનો સંઘર્ષ હતો. તો બીજી તરફ ભાજપ માટે 27 વર્ષ બાદ દિલ્હીમાં સતા પુનઃ કબજે કરવાનો જંગ હતો. ફેંકાઈ ગયેલી કોંગ્રેસને દિલ્હીના રાજકારણમાં પુનઃસ્થાપિત થવાની અપેક્ષા હતી. દિલ્હીને આમ આદમી પાર્ટી નો ગઢ માનવામાં આવતો હતો. આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે કરેલી કામગીરી તેમજ મફત યોજનાઓ ઉપર આમ આદમી પાર્ટીને ભરોસો હતો. બીજી તરફદિલ્હી લીકર પોલિસીના કથિત કૌભાંડ બાદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની પ્રતિષ્ઠા ખરડાઈ હતી. કેજરીવાલ અને મનીષ સિસોદિયા સહિતના અનેક નેતાઓ જેલ ભેગા થયા હતા. ભ્રષ્ટાચારના મુદ્દે ભાજપે આકરા પ્રહારો કર્યા હતા. આમ આદમી પાર્ટી અને ભાજપ બંનેએ પ્રચારમાં પોતાની તમામ તાકાત લગાવી દીધી હતી.બન્ને પક્ષોએ મફત યોજનાઓની લ્હાણી કરી હતી. કેજરીવાલે ભાજપ ઉપર સત્તાના દુરુપયોગના આક્ષેપો કર્યા હતા.જો કે જનતા જનાર્દને અંતે ભાજપ ઉપર પસંદગીનો કળશ ઢોળતા રાજધાનીમાં કમળ ફરી એક વખત પુર બહારમાં ખીલ્યું છે.