આમ આદમી પાર્ટીના નેતા મહેશ ખીંચી દિલ્હીના નવા મેયર બન્યા છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)માં ગુરુવારે મેયરની ચૂંટણી માટે મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું. દિલ્હીના મેયરની ચૂંટણી એલજી વીકે સક્સેના દ્વારા નિયુક્ત પ્રિસાઇડિંગ ઓફિસર સત્ય શર્માની દેખરેખ હેઠળ યોજાઈ હતી. સત્ય શર્મા ગૌતમપુરીના ભાજપના કાઉન્સિલર છે. આમ આદમી પાર્ટીના મહેશ ખીંચી MCDના મેયર બન્યા. મેયરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર મહેશ ખીંચીને 135 વોટ મળ્યા હતા. જો કે તેમના બે મત અમાન્ય જાહેર થયા હતા. આ પછી તેમને 133 માન્ય મત મળ્યા. આ ચૂંટણીમાં ભાજપના કિશન લાલને કુલ 130 વોટ મળ્યા છે.
દિલ્હીની મેયર સીટ માટે દેવનગરથી આમ આદમી પાર્ટી (AAP)ના કાઉન્સિલર મહેશ ખીંચી અને શકુરપુરથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાઉન્સિલર કિશન લાલ વચ્ચે મુકાબલો હતો. દિલ્હી મેયરની ચૂંટણીમાં કુલ 265 મત પડ્યા હતા, જેમાંથી 2 મત અમાન્ય હતા. આમ આદમી પાર્ટીના મહેશ ખીંચીને 133 વોટ મળ્યા જ્યારે બીજેપીના કિશન લાલને 130 વોટ મળ્યા. મતગણતરી બાદ AAPના મહેશ ખીંચી દિલ્હી MCDના મેયર તરીકે ચૂંટાયા હતા અને ભાજપના કિશન લાલને માત્ર 3 મતથી હારનો સામનો કરવો પડ્યો હતો.
આ ચૂંટણીમાં દિલ્હીના તમામ સાત સાંસદોએ મતદાન કર્યું હતું, જ્યારે કોંગ્રેસના 7 કાઉન્સિલરોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. દિલ્હી મેયરની ચૂંટણીમાં કોંગ્રેસના કાઉન્સિલરોએ હોબાળો મચાવ્યો હતો. ચૂંટણી દરમિયાન કોંગ્રેસના કાઉન્સિલર સબિલા બેગમે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.
દિલ્હીના મેયરની ચૂંટણી પર ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજે કહ્યું કે ભાજપના તમામ સાત સાંસદોએ મેયર પદ માટે પોતાનો મત આપ્યો છે અને બાદમાં અમે ડેપ્યુટી મેયર માટે પણ વોટ કરીશું. જો ભાજપના મેયર અને ડેપ્યુટી મેયર ચૂંટાય છે, તો MCDની નિષ્ક્રિયતા, જે AAP હેઠળ છે, તેને ચાલુ રાખવા દેવામાં આવશે નહીં.
