દિલ્હીના ન્યાયાધીશે વીડિયોમાં દેખાતા રોકડના ઢગલાને નકાર્યું
સંપૂર્ણપણે અશક્ય, અવિશ્વસનીય
દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશે ગત સપ્તાહે તેમના સ્ટોરરૂમમાં લાગેલી આગની ઘટના બાદ તેમના નિવાસસ્થાનમાંથી કોઈપણ ચલણ નોટો દૂર કરવામાં કે જપ્ત કરવામાં આવી હોવાનો સખત ઇનકાર કર્યો હતો. વિડીયો ઘટના સ્થળનો જ હોય તો પણ તેમાં કાંઈ મળી આવ્યું હોય કે પછી કાંઈ જપ્ત કરવામાં આવ્યું હોય તેવું ન દેખાતું હોવાનો તેમણે બચાવ કર્યો હતો.સાથે જ ઘટના સ્થળેથી મળેલા કથિત ચલણને દૂર કરવામાં આવી હોવાના આક્ષેપને પણ તેમણે ફગાવી દીધો હતો.
દિલ્હીના ચીફ જસ્ટિસને આપેલા લેખિત જવાબમાં તેમણે કહ્યું,”મને જે બાબત આશ્ચર્યજનક લાગે છે તે એ છે કે કથિત રીતે બળી ગયેલા ચલણની કોઈ થેલીઓ કે જે ક્યારેય મળી આવી હોય કે જપ્ત કરવામાં આવી હોય તેનો સંપૂર્ણ અભાવ છે. હું સ્પષ્ટપણે દાવો કરું છું કે મારી પુત્રી, પીએસ કે ઘરના સ્ટાફને આ કહેવાતી બળી ગયેલા ચલણની થેલીઓ બતાવવામાં આવી ન હતી.”
તેમણે કહ્યું કે કોઈ વ્યક્તિ સ્ટાફના ક્વાર્ટર્સ નજીકના ખુલ્લા, મુક્તપણે પ્રવેશી શકાય તેવા સ્ટોરરૂમમાં કે આઉટહાઉસ તરીકે ઉપયોગમાં લેવાતી જગ્યાએ રોકડ સંગ્રહ કરે તેવો વિચાર પણ અશક્ય છે.તેમણે એ કહેવાતી રોકડ તેમણે કે તેમના કોઈ પરિવારજને રાખી હોવાનો ઇનકાર કર્યો હતો.