દીલ્હી પ્રદૂષણવાળા લોકડાઊન તરફ, હવા બની ઝેરીલી
એકયુઆઈ ૩૦૦ ને પાર, હ્રદય રોગ અને શ્વાસની તકલીફવાળા દર્દીઓ માટે મુશ્કેલી
દીલ્હી ફરીવાર પ્રદૂષણવાળા લોકડાઊન તરફ આગળ વધી રહી છે. ઝડપથી બગડી રહેલી હવા હવે ડરાવી રહી છે અને એકયુઆઈ ૩૦૦ ને પાર પહોંચી જતાં ભારે મુશ્કેલી સર્જાઇ રહી છે. આ સાથે જ કેન્દ્ર સરકારે ‘ગ્રેડેડ રીસ્પોન્સ એક્શન પ્લાન’ તરીકે પ્રદૂષણ નિયંત્રણ યોજના ‘સ્ટેજ-૨’ના ભાગરૂપે પગલાં લેવાયા છે. બીજીબાજુ આર્થિક રાજધાની મુંબઈમાં પણ પ્રદૂષણ વકર્યું છે, જેથી બીએમસીએ પણ આકરાં પગલાં લેવાની ચીમકી આપી છે. લોકોમાં ફરી સ્વાસ લેવામાં તકલીફની ફરિયાદો ઊઠી રહી છે. હવા ઝેરીલી થઈ રહી છે. હ્ર્દયરોગના અને શ્વાસની તકલીફવાળા દર્દીઓ માટે ભારે મુશ્કેલી છે.
રાજધાની દિલ્હીમાં શનિવારે એર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ) ૨૪૮ના સ્તરે હતું. વધુમાં દિલ્હીમાં એકંદરે હવાની ગુણવત્તા હજુ ખરાબ થશે અને તે ૨૩થી ૨૪ ઑક્ટોબર પછી ‘વેરી પૂઅર’ કેટેગરીમાં આવી જશે. દિલ્હીમાં પ્રદૂષણ વધતા કેન્દ્ર સરકારે નેશનલ કેપિટલ રિજન (એનસીઆર)માં ગ્રેપ-૨ હેઠળ પ્રતિબંધો લાગુ કર્યા છે.
આ પ્રતિબંધો હેઠળ સરકાર જાહેર પરિવહન સિસ્ટમનો ઉપયોગ વધારવા અને ખાનગી પરિવહનનું સંચાલન ઘટાડવા પર ભાર મૂકી રહી છે. પરિણામે સરકારે ખાનગી વાહનોની પાર્કિંગ ફી વધારવાના અને સીએનજી અથવા ઈલેક્ટ્રિક બસો અને મેટ્રો લાઈનોની સુવિધાઓ વધારવા નિર્દેશ આપ્યા છે.
વધુમાં રસ્તા પર ધૂળ ઓછી કરવા માટે પાણીનો છંટકાવ કરવા પણ નિર્દેશ આપ્યા છે. વાહનોમાંથી નીકળતો ધૂમાડો હવાના પ્રદૂષણમાં સૌથી વધુ યોગદાન આપે છે. આમ છતાં વાહનચાલકો પીયુસી વિના તેમના વાહનો દિલ્હીમાં દોડાવી રહ્યા છે.