દિલ્હી વિધાનસભા ચૂંટણીનું પરિણામ : કોંગ્રેસની હેટ્રીક, સતત ત્રીજી વખત ખાતુ ન ખુલ્યું ; કિંગ મેકર બનવાનું દીવા સ્વપ્ન ચકનાચૂર
દિલ્હીના પરિણામોએ કોંગ્રેસને આકરો ઝાટકો આપ્યો છે. એક સમયે દિલ્હીમાં શાસન ચલાવનાર કોંગ્રેસ સતત ત્રીજી ચૂંટણીમાં એક પણ બેઠક મેળવી ન શકતા કોંગી છાવણીમાં સન્નાટો વ્યાપી ગયો હતો. આમ આદમી પાર્ટી સાથે મતભેદો થયા બાદ એકલા હાથે ચૂંટણી લડી અને નોંધપાત્ર બેઠકો સાથે કિંગ મેકર બનવાનું કોંગ્રેસનું દીવા સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું હતું.
દિલ્હીમાં એક સમયે કોંગ્રેસનો દબદબો હતો. 1998 થી 2013 સુધી સતત ત્રણ ચૂંટણીમાં વિજય મેળવી શીલા દીક્ષિતે 15 વર્ષ સુધી દિલ્હીનું મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું. તેમના કાર્યકાળ દરમિયાન દિલ્હીનો અભૂતપૂર્વ વિકાસ થયો હતો. જો કે અન્ના હજારેના આંદોલન અને 2012માં આમ આદમી પાર્ટીની સ્થાપના બાદ 2013 થી કોંગ્રેસના વળતા પાણી શરૂ થયા હતા. 2013 ની ચૂંટણીમાં ખુદ શીલા દીક્ષિત અરવિંદ કેજરીવાલ સામે ચૂંટણી હારી ગયા હતા. કોંગ્રેસને માત્ર આઠ બેઠક મળી હતી.

2015 અને 2020 ની ચૂંટણીમાં તો કોંગ્રેસનું ખાતું પણ નહોતું ખુલ્યું. અને એ પછી આ ચૂંટણીમાં પણ તમામ બેઠકો ગુમાવી કોંગ્રેસે મીંડું મૂકવાની શરમજનક હેટ્રિક નોંધાવી હતી. કોંગ્રેસના દિલ્હી એકમના પ્રમુખ દેવેન્દ્ર યાદવ, શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિત, અલકા લાંબા, રાગીની નાયક અને ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલા સુરેન્દ્રકુમાર સહિતના તમામ નેતાઓને પરાજયનો સ્વાદ ખમવો પડ્યો હતો.