Delhi Assembly election 2025 : દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત : કાલે મતદાન, ‘આપ’ માટે સતા ટકાવવાનો સંઘર્ષ
દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે સોમવારે સાંજે પાંચ વાગ્યે જાહેર પ્રચાર બંધ થઈ ગયો હતો. આવતી કાલે બુધવારે મતદાન યોજાશે.ભારે રસાકસી બની ગયેલી આ ચૂંટણીનું પરિણામ તારીખ આઠ ના રોજ જાહેર થશે. 2020 ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને વિજય મળ્યા બાદ વીતેલા પાંચ વર્ષમાં યમુનામાં ઘણા પાણી વહી ગયા છે.સરકારે દિલ્હી લિકર પોલીસના કથિત કૌભાંડમાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ, ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિતના ટોચના નેતાઓને જેલમાં ધકેલી દીધા હતા.કેજરીવાલે સપ્ટેમ્બર મહિનામાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ આતિષી મુખ્યમંત્રી બન્યા હતા.
છેલ્લી બે ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સામે ભૂંડા હાલે પરાજય મેળવ્યા બાદ ભારતીય જનતા પક્ષે આ વખતે તમામ તાકાત કામે લગાડી દીધી હતી. ભાજપે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી ઉપર જંગી ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા હતા. ચૂંટણી પ્રચારમાં લિકર કૌભાંડથી માંડી અને શીશ મહેલ સુધીના મુદ્દાઓ ગાતા રહ્યા હતા. ભાજપ વતી વડાપ્રધાન મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, યોગી આદિત્યનાથ, હિમતાં બિસ્વા સરમા,શિવરાજ સિંહ ચૌહાણ ઉપરાંત ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓએ પ્રચારનો મોરચો સંભાળ્યો હતો.
બીજી તરફ વિપક્ષના ઇન્ડિયા ગઠબંધનમાં ફાટફૂટ પડ્યા બાદ કોંગ્રેસે પણ તમામ 70 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખતા ત્રીપાંખીયો જંગ ખેલાઇ રહ્યો છે. પ્રચાર દરમિયાન અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધીએ વ્યક્તિગત રીતે એકબીજા પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા.નોંધનીય છે કે સતત બે ટર્મથી વિજેતા થતીઆમ આદમી પાર્ટી સામે આ ચૂંટણીમાં ગંભીર પડકાર ઊભો થયો હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. આ સંજોગોમાં આપ માટે આ ચૂંટણી સત્તા ટકાવી રાખવાનો અને ભાજપ માટે સત્તા મેળવવા માટેનો જંગ બની રહી છે.
તમામ પક્ષો દ્વારા રેવડીની રેલમછેલ
આમ આદમી પાર્ટીએ મફત વીજળી પાણીની ચાલી આવતી યોજનાઓ ઉપરાંત મહિલા સન્માન યોજના હેઠળ દરેક મહિલાને માસિક 2100 રૂપિયાની સહાય તથા મંદિરના પૂજારીઓને 18000 રૂપિયા પગાર આપવાની જાહેરાત કરી હતી. બીજી તરફ અગાઉ
આવી સરકારી યોજનાઓને રેવડી ગણાવનાર ભાજપે પણ રેવડીવર્ષા કરી હતી. ભાજપે દરેક મહિલાને રૂપિયા 2500 તેમજ ગર્ભવતી મહિલાઓને રૂપિયા 21000, સિનિયર સિટીઝનો અને વિધવા પેન્શનમાં વધારો, એલપીજી સિલિન્ડર પર સબસીડી, હોળી અને દિવાળી ઉપર મફત ગેસ સિલિન્ડર, 200 યુનિટ સુધી ફ્રી વીજળી તેમજ મહિલાઓને મફત બસ મુસાફરી જેવી લોભામણી યોજનાઓની જાહેરાત કરી હતી. કોંગ્રેસે પણ પ્યારી દીદી યોજના હેઠળ મહિલાઓને માસિક રૂપિયા 2500 આપવાની ઘોષણા કરી હતી.
શું આમ આદમી પાર્ટી હેટ્રિક નોંધાવશે ?
દિલ્હીમાં તમામ તાકાત લગાડવા છતાં આમ આદમી પાર્ટી સામે ભાજપનો ગજ વાગ્યો નથી. 2015 ની ચૂંટણીમાં ભાજપને દિલ્હીની 70 માંથી માત્ર 3 બેઠકો મળી હતી. 2020 માં પણ ભાજપ માત્ર 8 બેઠક મેળવવામાં જ સફળ રહ્યો હતો. જો કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન આમ આદમી પાર્ટીની લોકપ્રિયતામાં ખાસ્સો ઘટાડો નોંધાયો હોવાનું રાજકીય વિશ્લેષકોનું માનવું છે. આ સંજોગોમાં ભર્યા નાળિયેર જેવી સ્થિતિ પ્રવર્તતી હોવાનું ચિત્ર ઉપસ્યું છે.