આંધ્રમાં મુખ્યમંત્રી જગન મોહન રેડીના પક્ષનો પરાજય નિશ્ચિત: પ્રશાંત કિશોર
ટીડીપી ભાજપના ગઠબંધનને સ્પષ્ટ બહુમતીનો વર્તારો
જાણીતા પોલિટિકલ સ્ટ્રેટેજીસ્ટ પ્રશાંત કિશોરે આંધ્રમાં મુખ્યમંત્રી જગન મોહન રેડી ના પક્ષ વાયએસઆર કોંગ્રેસનો સફાયો થવાની આગાહી કરી હતી. આંધ્રમાં ટીડીપી અને ભાજપનું ગઠબંધન સ્પષ્ટ બહુમતી મેળવી સત્તા કબજે કરશે તેવું તારણ તેમણે રજૂ કર્યું હતું. આંધ્રમાં 13મી તારીખે લોકસભા અને ધારાસભા માટે મતદાન થયું તેના આગલા દિવસે તેમણે આ અનુમાન વ્યક્ત કર્યું હતું.
આરટીવી નામની તેલુગુ વેબસાઈટને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે જગન મોહન રેડી ના માતા અને બહેન પણ તેની સામે પડ્યા છે તે જ દર્શાવે છે કે પાસું પલટાઈ ગયું છે. તેમણે કહ્યું કે જગન મોહને અનેક ભૂલો કરી છે. પાંચ વર્ષ દરમિયાન તેઓ ચૂંટાયેલા નેતાની માફક નહીં પરંતુ એક રાજાની માફક વર્ત્યા છે. 2019ની ચૂંટણીમાં લોકોએ તેમને ખોબલે ખોબલે મત આપ્યા હતા પરંતુ આ વખતે પરિસ્થિતિ તદ્દન વિપરીત છે. જગન મોહનનો પક્ષ માત્ર 51 બેઠકો પર સમેટાઈ જવાની ધારણા તેમણે વ્યક્ત કરી હતી.
આરટીવીએ ધારાસભામાં વાયએસઆર કોંગ્રેસને 67 બેઠકો અને ટીડીપી ભાજપના ગઠબંધનને 106 બેઠક મળવાનું અને લોકસભાની ચૂંટણીમાં ટીડીપી ગઠબંધનને 15 અને વાયઆરએસ કોંગ્રેસને 8 બેઠકો મળવાની સંભાવના દર્શાવી હતી.2019 માં વાયએસઆર કોંગ્રેસને આંધ્રની 175 માંથી 151 બેઠકો મળી હતી.ટીડીપી માત્ર 23 બેઠકો ઉપર વિજય મેળવવામાં સફળ રહી હતી. 2019ની લોકસભાની ચૂંટણીમાં વાયએસઆર કોંગ્રેસનો 25 માંથી 22 બેઠકો પર જવલંત વિજય થયો હતો.