ઘાતક પ્રિ-મોન્સુન : આંધી-તોફાન-વરસાદે દેશમાં 71 લોકોના જીવ લીધા, 31 રાજ્યમાં હવામાન વિભાગનું એલર્ટ
મોન્સૂન પહેલા જ દેશમાં વરસાદ- વવાઝોડાએ ભારે ખાના ખરાબી અને જાનહાનિ સર્જી દીધી હતી. છેલ્લા બે દિવસમાં યુપી, દિલ્હી અને છત્તીસગઢ રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાને લીધે સર્જાયેલી દુર્ઘટનાઓમાં ગુરુવાર સુધીમાં કૂલ 71 લોકોના મોત થયા હતા. અનેક રાજ્યોમાં અતિ ભારે પવનને લીધે વ્યાપક નુકસાની થઈ છે. બુધવારે મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક ભાગોમાં પણ ભારે વરસાદ થયો હતો. કેટલાક રાજ્યોમાં અસહ્ય ગરમી પણ છે.
યુપીના 28 જિલ્લાઓમાં આંધી તોફાન સાથે ભારે વરસાદ ખાબક્યો હતો અને દુર્ઘટનાઓમાં 58 લોકોના મોત થઈ ગયા હતા. અનેક જગ્યાએ મકાનની દીવાલો અને ઝાડ પડવાની ઘટનાઓ બની હતી. અનેક ગામોમાં વીજળી પણ પડી હતી. એ જ રીતે દિલ્હી-NCRમાં પણ છેલ્લા બે દિવસથી મોસમ બગડી ગયું છે અને ભારે વરસાદ સાથે આંધી ફૂંકાઈ હતી અને તેને પગલે બનેલી દુર્ઘટનાઓમાં 9 લોકોના મોત થઈ ગયા હતા. બુધવારે રાત્રે પણ અહીં ભારે આંધી સાથે વરસાદ પડ્યો હતો અને વીજળીના ભડાકા થયા હતા.
છત્તીસગઢમાં પણ વાતાવરણ અચાનક બદલાઈ ગયું હતું અને ભારે વરસાદ આંધી તોફાન સાથે શરૂ થયો હતો અને તેને પગલે સર્જાયેલી ઘટનાઓમાં 4 લોકોના મોત થઈ ગયા હતા. દેશના કેટલાક રાજ્યોમાં સખત ગરમીનો માહોલ પણ દેખાઈ રહ્યો છે. બુધવારે મુંબઈ અને પૂણે સહિત મહારાષ્ટ્રના અનેક ભાગોમાં પણ ભારે વરસાદ થયો હતો.
31 રાજ્યો માટે હવામાનનું એલર્ટ
દરમિયાનમાં હવામાન વિભાગે રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સહિત દેશના 31 રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશો માટે એલર્ટ જાહેર કર્યું હતું. આ રાજ્યોમાં પણ આંધી સાથે ભારે વરસાદની આગાહી કરાઇ છે. જો કે કેટલાક રાજ્યોમાં અસહ્ય ગરમી પણ પડી શકે છે. આંધી સાથે કેટલાક રાજ્યોમાં વીજળી પડવાની પણ સંભાવના છે. તંત્રવાહકોને એલર્ટ કરી દેવાયા છે.
