મણિપુરમાં બેકાબૂ હિંસા: નદીમાં તરતી નિર્વસ્ત્ર મહિલા અને સગીરાની લાશો મળી
હત્યા કરાયેલી લાશો મળવાનો સિલસિલો અવિરત ચાલુ
ટોળાએ ભાજપ કોંગ્રેસની ઓફિસો સળગાવી પોલીસ ગોળીબારમાં એકનું મોત, એક ઘાયલ
મણીપુરના જીબ્રામમાંથી અપહરણ કરાયેલા એક જ પરિવારના છ સભ્યોની લાશો મળ્યા બાદ બેફામ તોફાનો ફાટી નીકળ્યા છે. રવિવારે સાઉથ આસામમાં બારાત નદીમાંથી મણીપુરમાં હત્યા કરીને ફેંકી દેવાયેલી એક સગીરા અને મહિલાની નિર્વસ્ત્ર લાશો મળી આવી હતી. મણીપુરમાં પણ વધુ એક પુરુષની લાશ મળી હતી. રવિવારે એક જ દિવસમાં વધુ ત્રણ મૃતદેહો મળતા વાતાવરણ વધુ તંગ બન્યું છે.
પરિસ્થિતિ એ હદે બેકાબૂ બની હતી કે ગૃહ મંત્રી મહારાષ્ટ્રનો ચૂંટણી પ્રચાર પડતો મૂકી દિલ્હી દોડ્યા હતા. સોમવારે પણ તેમણે મણીપુરની સ્થિતિ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદ ની બેઠક કરી હતી.
જો કે મણીપુરના સાત જિલ્લાઓમાં કર્ફ્યુ હોવા છતાં તોફાનો ચાલુ છે. જીબ્રામમાં રવિવારે પોલીસ મથકથી માત્ર 500 મીટર દૂર આવેલા ભાજપ અને કોંગ્રેસના કાર્યાલયોમાં ટોળાએ ભારે તોડફોડ કરી હતી અને રાચ રચીલું બહાર કાઢી સળગાવી દીધું હતું. તોફાનોને કાબુમાં લેવા પોલીસ એ કરેલા ગોળીબારમાં કે. આથોઉબા નામના 20 વર્ષના યુવાનનું મૃત્યુ થયું હતું.
ધારાસભ્યોના નિવાસ્થાનો અને ચર્ચ પર હુમલા
મણીપુરમાં અત્યાર સુધીમાં પાંચ પ્રધાનો અને 13 ધારાસભ્યોના નિવાસ્થાનો પર હુમલાઓની ઘટના બની છે. તેમાંથી નવ ધારાસભ્યો ભાજપના છે. છેલ્લા બે દિવસમાં જ મેઇતિ સમુદાય દ્વારા પાંચ ચર્ચ એક સ્કૂલ એક પેટ્રોલ પંપ અને કુકી ઝો સમુદાયના 14 મકાનો સળગાવી દેવામાં આવ્યા હતા. પોલીસે 23 લોકોની ધરપકડ કરી એક .32 પિસ્તોલ, સાત કારતુસ અને આઠ મોબાઇલ ફોન જપ્ત કર્યા હતા.