કુવૈતથી 45 ભારતીયોના મૃતદેહ કોચી એરપોર્ટ લવાયા
તાજેતરમાં કુવૈતમાં એક બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગમાં મૃત્યુ પામેલા 45 લોકોની ઓળખ ભારતીય તરીકે થયા બાદ આજે કુવૈતથી ખાસ વિમાનમાં આ મૃતદેહ કેરલાના કોચી ખાતે લાવવામાં આવ્યા હતા અને પરિવારજનોને સોપવામાં આવ્યા હતા.
કુવૈતની બિલ્ડિંગમાં 196 પરપ્રાંતિય શ્રમિકો કામ કરી રહ્યા હતા. 45 મૃતકોમાંથી 2 ઉત્તર પ્રદેશના, 24 કેરળના, 7 તમિલનાડુના અને 3 આંધ્રપ્રદેશના છે. આજે ભારતીય વાયુસેનાનું એક વિશેષ C-130J વિમાન 45 ભારતીયોના મૃતદેહ લઈને કોચી પહોંચ્યું હતું. પાર્થિવ દેહ આવતાં જ પરિવારજનોનું આક્રંદ જોવા મળ્યું હતું.કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા કોચી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. અહીં કેટલાક પાર્થિવ દેહને ઉતાર્યા બાદ વિમાન દિલ્હી ગયું હતું જ્યાંથી અન્ય પાર્થિવ દેહને તેમના સંબંધિત રાજ્યોમાં મોકલવામાં આવ્યા હતા. મૃતકોમાં મોટાભાગના કેરળના હતા તેથી વિમાન સૌપ્રથમ કોચીમાં લેન્ડ થયું હતું. કેરળ સરકારે મૃતકોના પરિવારને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.