અરુણાચલ પ્રદેશમાં કયા દેશની બનાવટના ખતરનાક શસ્ત્રો મળ્યા ? વાંચો
અરુણાચલ પ્રદેશના ચાંગલાંગ જિલ્લામાં મોટી સંખ્યામાં ચાઈનીઝ બનાવટની એસોલ્ટ રાઈફલ્સ મોટી સંખ્યામાં મળી આવી છે. સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ રવિવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે સેના અને આસામ રાઈફલ્સે પોલીસ સાથે મળીને ડ્રોન, સ્નિફર ડોગ્સ અને મેટલ ડિટેટિંગ સાધનોનો ઉપયોગ કરીને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં રિકવરી કરવામાં આવી હતી.

સંરક્ષણ પ્રવક્તાએ માહિતી આપી
સંરક્ષણ પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ અમિત શુક્લાએ જણાવ્યું હતું કે નમદફા નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વમાં મિયાઓ-વિજયનગર રોડ પર 27 માઈલના વિસ્તારમાં વિવિધ સ્થળોએથી દસ ચીની બનાવટની **MQ-81 એસોલ્ટ રાઈફલ્સ અને ટાઈપ 81 અસોલ્ટ રાઈફલ્સ મળી આવી છે.
તેમણે કહ્યું કે એવું માનવામાં આવે છે કે પૂર્વીય નાગા રાષ્ટ્રીય સરકારના આતંકવાદીઓએ ગયા વર્ષે આત્મસમર્પણ કરતા પહેલા આ હથિયારો છુપાવી દીધા હતા. ચાંગલાંગમાં કાર્યરત આતંકવાદી જૂથો છેલ્લા છ મહિનાથી આ હથિયારોની શોધ કરી રહ્યા હતા.
કર્નલ શુક્લાએ કહ્યું કે બાતમીના આધારે સુરક્ષા દળોએ શનિવારે ગાઢ જંગલમાં છુપાયેલા હથિયારો કબજે કર્યા. તેમણે કહ્યું કે ઓપરેશન પહેલા, સુરક્ષા દળોએ નામદફા રિઝર્વ ફોરેસ્ટમાં હાજર પ્રવાસીઓ માટે સલામત માર્ગ સુનિશ્ચિત કર્યો હતો. શસ્ત્રો બળવાખોરોના હાથમાં ન આવે તે સુનિશ્ચિત કરીને ઓપરેશન અત્યંત ચોકસાઈ સાથે હાથ ધરવામાં આવ્યું હતું. અધિકારીએ કહ્યું કે આ સફળ ઓપરેશન વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે સુરક્ષા દળોના સતત સમર્પણને રેખાંકિત કરે છે.