રાજકોટની મહિલાઓના બેન્ક ખાતાઓ સાથે નવા સીમકાર્ડ કઢાવીને થતો હતો સાયબર ફ્રોડ, ગઠિયાઓ આ રીતે કરતાં હતા સ્કેમ
રાજકોટના કોઠારિયા રોડ વિસ્તારની શ્રમિમક મહિલાઓને લોન અપાવવાના નામે ખૂલેલા બેન્ક એકાઉન્ટ્સના સાયબર ફ્રોડમાં દુરૂપયોગ થતાં ભરૂચ પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં જે મહિલાઓના એકાઉન્ટ્સ ખૂલ્યા હતા તે મહિલાઓના નામના નવા સીમ કાર્ડ્સ પણ ભેજાબાજે કઢાવ્યા હતા જેથી બેન્ક ટ્રાન્ઝેક્શનના મેસેજ મહિલાઓને નહીં ભેજાબાજને જ મળે અને કૌભાંડ ચાલ્યે રાખ્યું. ફસાયેલી મહિલાઓ દ્વારા લોનના નામે ભૂમિકા ભજવનાર મહિલાનો સંપર્ક તેમજ બેન્ક ખાતા ખોલાવનાર બન્નેએ હાથ ઉંચા કરી દેતા મહિલાઓ ફસાઈ છે.
ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા કોઠારિયા રોડ તેમજ અલગ-અલગ વિસ્તારોમાં રહેતી મહિલાઓ અને પુરૂષોના બેન્ક એકાઉન્ટમાં વેપારી સાથે થયેલા લાખોના કેના ઓનલાઈન ઓનલાઈન ફ્રોડના નાણાં જમા થયા હોવાથી રાજકોટ આવીને આવા તમામ બેન્ક એકાઉન્ટ હોલ્ડર્સને નોટિસ આપી છે. આ વિસ્તારની એક મહિલાએ કાલાવાડ રોડ તરફ રહેતા વિજય (નામ બદલાવેલ છે) સાથે મળીને ખોલાવ્યા હતા. સાત માસ પૂર્વે એકાઉન્ટ્સ ખૂલ્યા હતા અને મહિલાઓના નામના નવા સીમ કાર્ડ્સ પણ ભેજાબાજ અજયે કઢાવ્યા હતા. એ નવા મોબાઈલ નંબર નવા બેન્ક એકાઉન્ટ્સમાં આપ્યા હતા. ખાતાઓ એક બેન્કની અલગ-અલગ બ્રાન્ચોમાં ખૂલ્યા હતા.
પત્નીને મળેલી નોટિસ બાબતે ભરૂચ પોલીસ સમક્ષ નિવેદન નોંધાવનાર રોહિતભાઈ નામના વ્યક્તિના કહેવા મુજબ અમે પરિચિત મહિલાના કારણે લોન લેવા માટે પત્નીના નામનું બેન્ક એકાઉન્ટ ખોલાવ્યું હતું અને આ મુજબ ભરૂચ પોલીસમાં પણ સ્ટેટમેન્ટ નોંધાવ્યું છે. રોહિતભાઈના માતાના બેન્ક એકાઉન્ટનો પણ આવી આવી રીર્તે ઉપયોગ થયો હતો.
અને તેઓ પણ ભરૂચ પોલીસ સમક્ષ હાજર થયા હતા. અન્ય મહિલાઓના કહેવા મુજબ અમારા નામના નવા સીમ કાર્ડ્સ પણ વિજયભાઈએ કઢાવ્યા હતા અને અમારા જૂના નહીં નવા સીમના નંબર જ બેન્ક ખાતાઓમાં આપ્યા હતા.
સીમ કાર્ડ પાસબૂક તથા એટીએમ કાર્ડ અમને આપ્યા ન હતા. એક અઠવાડિયા પછી આવશે લોનના નાણાં જમા થાય ત્યારે આવશે કહ્યું રાખ્યું હતું. ૨૫૦૦ રૂપિયાની નવા બેન્ક એકાઉન્ટ્સ માટેની રકમ પણ અજયે જ ભરી હતી. સમગ્ર ફ્રોડમાં આક્ષેપો સાથે સત્ય શું છે તે પોલીસ તપાસમાં ખૂલે તે જ ઓનપેપર બનશે બાકી અત્યારે જેના નામો ઉછાળવામાં આવ્યા છે તે ચર્ચારૂપ માની શકાય.
બેન્ક પાસબૂક, ડોક્યુમેન્ટ્સ વારંવાર માંગવા છતાં બ્હાના બતાવીને આપ્યા ન હતા, ફોન બંધ કરી દીધા હતા. શ્રમિક મહિલાઓ કે પુરૂષો બેન્ક એકાઉન્ટ્સ બંધ કરાવવા બેન્કે પણ ગયા હતા. અંતે નોટિસો મળતા હવે આવા બેન્ક એકાઉન્ટ્સ હોલ્ડરોમાં અંકે રૂપિયો મળ્યો નહીં અને લાખોના ટ્રાન્ઝેક્શન થઈ જતાં પોલીસની દોડધામ થઈ પડી છે.
10 હજારની લોન રેગ્યુલર ભરશો તો 50 હજારની લોન આપવામાં આવશે
શ્રમિક મહિલાઓ કે જરૂરિયાતમંદ પરિવારોના યુવકો, પુરૂષોને 10-10 હજારની લોન દર મહિને 1000 રૂપિયાના હપ્તે મળશે અને તેના માટે નવા બેન્ક એકાઉન્ટ્સ ખોલાવવા પડશે કહી બધાના ડોક્યુમેન્ટ્સ મેળવાયા હતા. એવી પણ લાલચ અપાઈ હતી કે એક મહિનાના ૧૦૦૦ લેખે ૧૨ હપ્તા રેગ્યુલર ભરશે તેને ૫૦ હજાર સુધીની લોન મળશે.
લોન, નાણાંની લાલસાએ અનેક શ્રમિકોના ખાતા ખૂલ્યાની શંકા
બેન્ક એકાઉન્ટ્સ ખોલાવવામાં શ્રમિક કે આવા વિસ્તારો જ પસંદ કરાતા હતા. કોઠારિયા રોડ પર એક કોમ્પ્લેક્સમાં લોન અપાવવાના નામે શ્રમિક મહિલાઓ કે જરૂરિયાતમંદોના ખાતા ત્યાં સ્થળ ઉપર જ એક ઓફિસ ખોલીને બેન્કના કર્મચારીઓને ત્યાં બોલાવીને ડોક્યુમેન્ટ્સ ફોર્માલિટી કરાવાઈ હતી. બેન્ક એકાઉન્ટ્સ ઓપન થાય એમને બે-ચાર મહિલા કે પુરૂષોને વિજય (નામ બદલાવેલ છે) જ બેન્કે લઈ જતો કે બોલાવતો હતો અને લોન રકમ જમા થયે ડોક્યુમેન્ટ્સ મળી જશે કહી ડોક્યુમેન્ટ્સ રાખી લીધાનો પણ આક્ષેપ કરાયો છે.