રૂપિયા 1 હજાર કરોડના સાયબર ઠગાઇ રેકેટનો પર્દાફાશ
સીબીઆઇની મોટી કાર્યવાહી; 17 આરોપીઓ, 58 કંપનીઓ સામે ચાર્જશીટ; ચીનનું કનેક્શન પણ નીકળ્યું 6 રાજ્યોમાં દરોડા બાદ દેશ- વિદેશમાં હેરાફેરી ઝડપાઇ
વોઇસ ઓફ ડે । નવી દિલ્હી
સીબીઆઇએ સાયબર ફ્રોડ ગુનેગારો વિરુદ્ધનું મોટું ઓપરેશન પાર પાડી રૂપિયા 1000 કરોડનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. સીબીઆઈએ દેશ અને વિદેશી સંચાલીત થતા આ નેટવર્કનો ખુલાસો કરી ચાર વિદેશી નાગરિક સહિત 17 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. એજન્સીએ 6 રાજ્યોમાં 27 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. જેમાં 58 કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. તપાસમાં સાયબર નેટવર્ક દ્વારા 1000 કરોડ રૂપિયાથી વધુની ગેરકાયદે રકમની દેશ-વિદેશમાં હેરાફેરી થઈ હોવાનું પણ સામે આવ્યું છે. ચીન સાથે પણ કનેક્શન નીકળ્યું છે. 111 બોગસ કંપનીઓ ઊભી કરાઇ હોવાનું બહાર આવ્યું
રિપોર્ટ મુજબ, આ કૌભાંડ દેશના અનેક રાજ્યોમાં ફેલાયેલું હતું અને ઓનલાઈનથી હજારો સામાન્ય નાગરિકોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. આરોપીઓ સામાન્ય નાગરિકોને ભ્રામક લોન એપ, નકલી રોકાણ યોજના, પોન્ઝી સ્કીમ, નકલી પાર્ટટાઈમ જોબ ઓફર અને ઓનલાઈન ગેિંમગ પ્લેટફોર્મથી છેતરીને રૂપિયા પડાવતા હતા. અગાઉ સાયબર ફ્રોડની અનેક ફરિયાદો સામે આવી હતી, ત્યારબાદ સીબીઆઈએ ઊંડાણપૂર્વક તપાસ કરી પીડિતના ખાતામાંથી ઠગો પહોંચતા નાણાંનું નેટવર્ક, ગુનેગારોની ડિજિટલ નિશાની, ફ્રોડ નેટવર્ક્સ દ્વારા ઉપયોગમાં લેવાતા પેમેન્ટ ગેટવે અને માર્ચન્ટ આઈડી સહિતની તપાસ કરતા તેમાં અનેક સમાનતા જોવા મળી હતી. ત્યારબાદ સીબીઆઈએ ઓક્ટોબર-2025માં સાયબર ફ્રોડ મામલે ત્રણ મુખ્ય ભારતીય સાથીદારોની ધરપકડ કરી હતી. તેઓની પૂછપરછમાં અનેક ખુલાસા થયા બાદ સીબીઆઈએ તપાસ વધુ ઝડપી બનાવી દીધી હતી.
સીબીઆઈએ ઓપરેશન હેઠળ કર્ણાટક, તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, ઝારખંડ અને હરિયાણામાં કુલ 27 ઠેકાણાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં અનેક ડિજિટલ ડિવાઈસ, દસ્તાવેજો અને નાણાંકીય રેકોર્ડ જપ્ત કરવામાં આવ્યા બાદ તેની ફોિંન્સક તપાસ કરાઈ હતી. આ તપાસમાં સામે આવ્યું કે, આ આખા સાયબર ફ્રોડ નેટવર્કને વિદેશથી ઓપરેશન કરવામાં આવતું હતું. તપાસ દરમિયાન બે ભારતીય આરોપીઓના બેંક એકાઉન્ટના યુપીઆઈ આઈડી ઓગસ્ટ-2025 સુધી વિદેશી લોકેશન પર એક્ટિવ હતા.
