ઇરાનના પરમાણુ મથકો પર સાયબર એટેક : મોટા પાયે ડેટાની ચોરી થયાની શંકા; ભારે હડકંપ
ઇઝરાયલની ઈરાન-લેબેનોન સાથેની લડાઈ હવે ભારે ઘાતક લેવલ પર પહોંચી ગઈ છે. શનિવારે આવેલા અહેવાલો મુજબ ઇઝરાયલ દ્વારા ઈરાન ઉપર મોટો સાઈબર એટેક થયો છે. ઈરાનની સરકાર અને પરમાણુ સ્થળો પર કરવામાં આવેલા આ સાઈબર એટેકમાં ઘણી મહત્ત્વની જાણકારીઓ ચોરી કરવામાં આવી છે.
આ હુમલામાં સરકારની ત્રણ બ્રાન્ચને નિશાન બનાવાઇ છે. આ સાઈબર એટેક ક્યારે થયો અને કોણે કર્યો તે વિશે કોઈ સૂચના મળી નથી. નોંધનીય છે કે, ઓક્ટોબરમાં ઈરાને ઈઝરાયલ પર મિસાઇલનો વરસાદ કર્યો હતો. ત્યારથી જ ઈઝરાયલ લાલઘૂમ થયું છે અને તેણે બદલો લેવાનું નક્કી કર્યું છે. થોડા દિવસો પહેલાં ઈઝરાયલ વડાપ્રધાને આ વિશે એક બેઠક પણ કરી હતી, જેમાં ઈરાનના ન્યૂક્લિઅર સ્થળોને નિશાન બનાવવા સંબંધિત ચર્ચા થઈ હતી.
અનેક એકમોને અસર
ઈરાન ઈન્ટરનેશનલે ઈરાનના સુપ્રીમ કાઉન્સીલ ઑફ સાઈબરસ્પેસના પૂર્વ સચિવ ફિરોઝાબાદીને ટાંકીને કહ્યું કે, ઈરાનની સરકારની તમામ ત્રણ શાખા ન્યાયપાલિકા, ધારાસભા અને કારોબારી શાખાઓ પર મોટો સાયબર એટેક થયો છે. અહીંથી મોટી સંખ્યામાં જાણકારી ચોરવામાં આવી છે.
આ હુમલામાં પરમાણું સ્થળની સાથે-સાથે ઈંધણ વિતરણ, નગરપાલિકા નેટવર્ક, પરિવહન નેટવર્ક, બંદરો અને અન્ય નેટવર્કને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. આ દેશભરમાં વિભિન્ન ક્ષેત્રોની એક લાંબી લિસ્ટનો ભાગ છે, જેના પર હુમલો કરવામાં આવી રહ્યો છે.
