ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ? વિપક્ષ માથું ખંજવાળે છે ! આ સાંસદો પર શંકા : કોંગ્રેસ તપાસ કરશે
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષની એકતાનો દાવો કરી રહેલી કોંગ્રેસ હવે ક્રોસ વોટિંગની વાસ્તવિકતાથી હચમચી ગઈ છે. મળતી માહિતી મુજબ, મંગળવારની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનારા અથવા જાણી જોઈને મતોને અમાન્ય કરનારા સાંસદો કોણ છે તે જાણવા માટે પાર્ટી એક બેઠક બોલાવવા જઈ રહી છે.
કોંગ્રેસ પાર્ટીના પોતાના સાંસદો પણ આ કરનારાઓમાં શામેલ છે અને તેના સાથી પક્ષો પણ તેમના મતોને એક કરવામાં નિષ્ફળ રહ્યા છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં 15 સાંસદોએ ક્રોસ વોટિંગ કર્યું છે અને તે જ સંખ્યામાં મતોને અમાન્ય જાહેર કરવામાં આવ્યા છે.
કોંગ્રેસ જાણવા માંગે છે કે કયા વિપક્ષી સાંસદોએ NDA ઉમેદવાર સીપી રાધાકૃષ્ણનને મત આપ્યો અને કોણે જાણી જોઈને તેમનો મત બગાડ્યો. આ ચૂંટણીમાં, રાધાકૃષ્ણનને 452 પ્રથમ પસંદગીના મત મળ્યા છે, જ્યારે વિપક્ષી ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીને ફક્ત 300 પ્રથમ પસંદગીના મતોથી સંતુષ્ટ થવું પડ્યું છે. 152 મતોના આ મોટા તફાવતથી કોંગ્રેસના ચૂંટણી રણનીતિકારોની રણનીતિ પર પ્રશ્નો ઉભા થયા છે.
કોંગ્રેસના ચાર સાંસદો પર શંકા
કોંગ્રેસે અગાઉ દાવો કર્યો હતો કે 315 વિપક્ષી સાંસદોએ મતદાનમાં ભાગ લીધો હતો અને સુદર્શન રેડ્ડીના પક્ષમાં મતદાન કર્યું હતું. કોંગ્રેસ તેને ઇન્ડિયા બ્લોકની એકતા તરીકે રજૂ કરી રહી હતી. રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રના સાંસદો દ્વારા લગભગ 7 ક્રોસ-વોટ નાખવામાં આવ્યા હતા, જેમાં શિવસેના ઉધ્ધવના 3 અને કોંગ્રેસના 4 વોટ હોઈ શકે છે. એટલું જ નહીં, NDA ઉમેદવાર તમિલનાડુના હોવાથી, ડિએમકેના કેટલાક વોટ પણ તેમને મળવાની ધારણા છે. આ ઉપરાંત, આમ આદમી પાર્ટીના કેટલાક સાંસદોને પણ શંકાની નજરે જોવામાં આવી રહ્યા છે.
ભાજપે કહ્યું, ઇન્ડી જોડાણના સાંસદોનો વિશેષ ધન્યવાદ
દરમિયાનમાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજીજુએ એક્સ પર પોસ્ટ મૂકીને ઈન્ડિયા ગઠબંધનની હાંસી ઉડાવી હતી અને કહ્યું હતું કે અંતરાત્માના અવાજે NDAના ઉમેદવારને વોટ આપવા બદલ ઇન્ડી બ્લોકના સાંસદોનો વિશેષ ધન્યવાદ ! સાચા દેશભક્તને ચૂંટવા બદલ બધાનો આભાર. NDA અને અમારા બધા જ મિત્ર સાંસદ એકજુથ છે.