રાજ્યસભાની ચુંટણીમાં ક્રોસ વોટિંગ, ભાજપને એડવાન્ટેજ
યુપી, હિમાચલ અને કર્ણાટકમાં કુલ ૧૫ બેઠક માટે મતદાન થયું હતું: યુપીમાં સપાના ૭ સભ્ય અને હિમાચલમા ૬ કોંગી સભ્યનો ભાજપને મત: કર્ણાટકમાં ક્રોસ વોટિંગ વચ્ચે કોંગીના ૩ ઉમેદવાર જીત્યા
લોકસભાની ચુંટણી પહેલા રાજકીય પક્ષોની તાકાતના ટેસ્ટ સમી રાજ્યસભાની ચુંટણી મંગળવારે થઈ હતી. ઉત્તરપ્રદેશ, કર્ણાટક અને હિમાચલ પ્રદેશની કુલ ૧૫ બેઠક માટે ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. સવારે ૯ થી સાંજના ૪ વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું અને તેમાં ભારે ડ્રામા બાજી અને ક્રોસ વોટિંગની ભરમાર રહી હતી.
જો કે ક્રોસ વોટિંગનો સૌથી મોટો એડવાન્ટેજ ભાજપ તરફી રહ્યો હતો અને આ ચુંટણી ભારે રોમાંચક બની ગઈ હતી. ત્રણેય રાજ્યમાં અનેક વિપક્ષી ધારાસભ્યોએ ભાજપ તરફી મતદાન કર્યું હતું. ઉત્તરપ્રદેશમાં ૧૦ બેઠક, કર્ણાટકમાં ૪ બેઠક અને હિમાચલ પ્રદેશમાં ૧ બેઠક માટે મતદાન થયું હતું.
ઉત્તરપ્રદેશમાં ભાજપના ૮ ઉમેદવાર અને સમાજવાદીના ૩ ઉમેદવાર મેદાન હતા પરંતુ સપાના ૭ સભ્યએ ક્રોસ વોટિંગ કરીને ભાજપને મત આપ્યા હતા. એ જ રીતે હિમાચલ પ્રદેશમાં પણ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો અને તેના ૬ ધારાસભ્યએ ભાજપને મત આપ્યો હતો. યુપીમાં થોડા સમય માટે મત ગણતરી રોકી દેવી પડી હતી કારણ કે, સપાએ રાજભરના ૨ સભ્યના મત સામે વાંધો લીધો હતો.
કર્ણાટકમાં પણ ૪ બેઠક માટે મતદાન થયું હતું પરંતુ ત્યાં પણ ક્રોસ વોટિંગ થયાનું બહાર આવ્યું હતું. જેડીએસ દ્વારા કોંગ્રેસ પર ક્રોસ વોટિંગ કરાવ્યાનો આરોપ મુકાયો હતો અને તેની વચ્ચે કોંગીના ૩ ઉમેદવાર વિજેતા જાહેર થયા હતા. જો કે આ બધાની વચ્ચે યુપી અને હિમાચલમા પરિણામ ભાજપ તરફી રહ્યા હતા.