બિહારમાં અપરાધખોરી ચરમસીમા પર ? ફરી શું બની આઘાતજનક ઘટના ? જુઓ
બિહારમાં ક્રાઇમ હવે બેફામ બન્યું છે અને રોજ ખૂન અને હુમલાઓની ઘટનાઓ બની રહી છે . ભોજપુર જિલ્લાના સેમરા ગામમાં, એક લિટર દૂધના વિવાદે એટલો ભયાનક વળાંક લીધો કે બે લોકોના મોત થયા અને ત્રણ લોકો ઘાયલ થયા હતા. બિહારમાં ક્રાઇમ બેફામ છે અને મુખ્યમંત્રી નીતિશ કુમાર માત્ર મોટી મોટી વાતો જ કર્યા કરે છે. રાજકીય ખેલબાજીમાં વ્યસ્ત છે અને લોકો ભયમાં જીવી રહ્યા છે.
બરહારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પહેલા એક યુવાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી, પછી ગુસ્સે ભરાયેલા ટોળાએ આરોપીને ઈંટો અને પથ્થરોથી કચડીને મારી નાખ્યો. આ અથડામણમાં અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા અને તેમને આરા સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વિસ્તારમાં તણાવ ફેલાયો હતો અને પોલીસ ઘટનાસ્થળે તૈ પહોંચી ગઈ હતી.
મૃતક ધર્મેન્દ્ર કુમારના ભાઈએ જણાવ્યું કે બે દિવસ પહેલા મનીષ સિંહ અને તેના ભાઈએ તેના નાના ભાઈ પાસેથી બળજબરીથી દૂધ માંગ્યું હતું. જ્યારે તેણે ના પાડી, ત્યારે તેઓએ તેને માર માર્યો અને તેના પિતા સાથે ગેરવર્તન કર્યું. રવિવારે સવારે આ નાની વાત મોટા રક્તપાતમાં ફેરવાઈ ગઈ. મૃતકના પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, મનીષ અને તેનો ભાઈ બડે સિંહ બિંદગાંવથી બાબુરા બજાર જઈ રહ્યા હતા. પછી ધર્મેન્દ્ર અને તેના મિત્રોએ તેમને ડેમ પાસે ઘેરી લીધા.
ધર્મેન્દ્રના મિત્રોએ મનીષ અને બડે સિંહ પર હુમલો કર્યો. મોટા ભાઈએ પરિવારને ફોન પર જાણ કરી, ત્યારબાદ તેના માણસો હથિયારો સાથે પહોંચ્યા. આ દરમિયાન ગોળીબાર થયો જેમાં ધર્મેન્દ્રને ગોળી વાગી અને તેમનું મોત થયું. આ પછી, સેમરા ગામના ટોળાએ બડે સિંહને ઘેરી લીધો અને ઇંટો અને પથ્થરોથી માર મારીને તેની હત્યા કરી દીધી. આ લડાઈમાં અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા.