ક્રાઇમ કેપિટલ દિલ્હી !! એક દિવસમાં ત્રણ હત્યા : મોર્નિંગ વોકમાથી પરત ફરી રહેલાવેપારીની અંધાધુંધ ગોળીબાર કરી
ભારતની રાજધાની દિલ્હી ક્રાઇમ કેપિટલ બની ગયું હોય તેમ ચોવીસ કલાકમાં હત્યાની ત્રણ ત્રણ ઘટનાઓ બની હતી.મોર્નિંગ વોક માટે નીકળેલા 52 વર્ષીય વાસણના વેપારીને શાહદરામાં હુમલાખોરોએ 7-8 રાઉન્ડ ગોળી મારીને હત્યા કરી હતી.ગોવિંદપુરીમાં, એક સામાન્ય શૌચાલયની સફાઈને લઈને બે જૂથો વચ્ચે બોલાચાલી દરમિયાન એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય બે ઘાયલ થયા હતા.તો અન્ય એક કિસ્સામાં પુત્રએ સગી માતાને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
પ્રથમ ઘટનામાં દિલ્હીના વાસણના વેપારી સુશીલ જૈન ( ઉ.વર્ષ 52 ) શનિવારે ઉત્તર દિલ્હીના શાહદરા વિસ્તારમાં મોર્નિંગ વોકમાંથી પોતાના સ્કૂટર ઉપર પરત ફરી રહ્યા હતા ત્યારે યમુના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નજીક બાઇક પર આવેલા હુમલાખોરોએ આઠ જેટલા રાઉન્ડ ફાયરિંગ કરીને તેમને વીંધી નાખ્યા હતા.ભોગ બનનાર વેપારીને કોઈની સાથે દુશ્મનાવટ ન હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું.પોલીસે સીસીટીવી કેમેરાના આધારે હુમલાખોરોની ઓળખ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા.
હત્યાનો બીજો બનાવ ગોવિંદપુરીમાં બન્યો હતો.ત્યાં એક રહેણાક ઇમારતના કોમન શૌચાલયમાં ગંદકી અંગે
બે પરિવારો વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. એ દરમિયાન સુધીર જૈન, તેના ભાઈ પ્રેમ અને સાગર પર વિકમ સિંહ અને તેના પુત્રોએ છરી વડે હુમલો કરતા ત્રણેય ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમાંથી સુધીર જૈનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું જ્યારે અન્ય એક ઘાયલ ની હાલત ગંભીર હોવાનું માનવામાં આવે છે. પોલીસે આ બારામાં ભીકમસિંહ, તેની પત્ની તથા ત્રણ પુત્રોની ધરપકડ કરી હતી.અન્ય એક બનાવમાં પશ્ચિમ દિલ્હીમાં સુલોચના નામની મહિલાની તેના સગા પુત્ર સાવને હત્યા કરી નાખી હતી. સાવને પોતાની પસંદગીની યુવતી સાથે લગ્ન કરવાની વાત કરતા માતા સાથે બોલાચાલી થઈ હતી. બાદમાં તેણે માતાનું કાસળકાઢી નાખ્યું હતું.
અમિત શાહના રાજમાં દિલ્હીમાં જંગલરાજ: કેજરીવાલનો આક્ષેપ
દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભંગી હોવાનો અને દિલ્હીમાં જંગલરાજ પ્રવર્તતો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે દિલ્હીમાં દરરોજ હત્યા, ખંડણી અને દુષ્કર્મના બનાવો બને છે. દિલ્હીને સલામત રાખવાની જવાબદારી ગૃહ મંત્રી અમિત શાહ ની છે પણ તેઓ સતત ચૂંટણીમાં વ્યસ્ત રહે છે. દિલ્હીમાં કોઈ સલામત ન હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે ગોળીબાર કરનાર શુટરો ઝડપાય છે પણ તેના માસ્ટર માઈન્ડ ખુલ્લેઆમ ફરતા રહે છે. દિલ્હી ગુંડાઓ અને માફિયાઓના હવાલે થઈ ગયું હોવાનો તેમણે રોષ પ્રગટ કર્યો હતો.