રાજકોટમાં બપોરે ૨ વાગ્યાથી લાગશે ક્રિકેટ કર્ફયૂ’
આજે બધા જ પ્રોગ્રામ કેન્સલ હો: કેમ ? અરે, ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ છે !!ચાર સ્થળે સાર્વજનિક મેચની મજા માણવા મળશે, કાફે, હોટેલ-રેસ્ટોરન્ટ સહિતના સ્થળો ઉપરાંત ચા-પાનની દુકાનો, ફાર્મહાઉસમાં સાગમટે’ મેચ જોવાના પ્રોગ્રામ ગોઠવાઈ ગયા: શનિવારે રજાનો દિ’ને બળુકી ટીમ વચ્ચે મુકાબલો, ક્રિકેટરસિકો માટે મજા હી મજા
ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ હોય અને તેમાં રજા મળી જાય એટલે લગભગ કશું ઘટે એવું લાગતું નથી ! આવો જ કંઈક સંયોગ આજે બન્યો છે. એક બાજુ આજે રાજકોટમાં બીજા શનિવારની રજા છે અને બીજી બાજુ અમદાવાદમાં ભારત-પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપનો મુકાબલો છે એટલા માટે આ ડબલ ડોઝ'ની મજા માણી લેવા માટે ક્રિકેટરસિકો અધીરા બની ગયા છે. આ સાથે જ અનેક લોકો એવું કહેતાં પણ સાંભળવા મળ્યા છે કે આજે બધા જ પ્રોગ્રામ કેન્સલ હોય કેમ કે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ હોવાથી અમે તે જોવામાં જ વ્યસ્ત રહેશું !! આ મેચ બપોરે ૨ વાગ્યાથી શરૂ થવાની છે એટલા માટે એમ કહી શકાય કે ૨ વાગ્યાથી રાજકોટમાંક્રિકેટ કર્ફયૂ’ લાગી જવાનો છે.
મહાપાલિકા દ્વારા શહેરમાં અલગ-અલગ ચાર જગ્યા જેમાં કિશાનપરા ચોક, સોરઠીયાવાડી સર્કલ, પેડક રોડ (પાણીના ઘોડા પાસે) અને મવડી ચોકડીએ સાર્વજનિક મેચના પ્રસારણનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે જ્યાં સાંજ થતાં સુધીમાં હજારો લોકોનો મેળાવડો જામી જવાનું નિશ્ચિત છે. આ ઉપરાંત શહેરના અલગ-અલગ રેસ્ટોરન્ટ, કાફે, ચા-પાનની દુકાનો, હોટેલોમાં પણ મેચના પ્રસારણનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હોય લોકો ભોજન-નાસ્તાનો આસ્વાદ માણતાં માણતાં મેચનો લુત્ફ ઉઠાવશે. આવી જ રીતે શહેરની ભાગોળે આવેલા વિલા, ફાર્મહાઉસ તેમજ વાડીઓમાં પણ સામૂહિક રીતે મેચનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. એકંદરે સવારથી જ લોકો પોતપોતાના સ્થળ ઉપર પહોંચી જશે અને જેવી મેચ શરૂ થઈને પૂર્ણ ન થાય ત્યાં સુધી ટીવી સામે જ ચીપકેલા જોવા મળશે.
ક્રિકેટ એક એવી રમત છે જે નાના બાળકથી લઈ વૃદ્ધ સુધીના સૌને પસંદ પડતી હોય છે અને તેમાં પણ ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ હોય એટલે પછી કહેવું જ શું ? ખાસ કરીને શનિવારની રજા હોવાને કારણે સરકારી કચેરીઓ બંધ જ રહેશે તો અનેક ખાનગી કંપનીઓ દ્વારા પણ મેચને ધ્યાનમાં રાખી આડકતરી રજા જાહેર કરી દેવામાં આવી હોવાનું ધ્યાન પર આવી રહ્યું છે. ક્રિકેટરસિકો આજનો એક દિવસ ભારત-પાકિસ્તાન મેચને જ સમર્પિત કરી દેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
