જૈન યુગલને હિન્દુ મેરેજ એક્ટ હેઠળ છુટાછેડા આપવાનો અદાલતનો ઇનકાર
મધ્ય પ્રદેશની એક ફેમિલી કોર્ટે જૈન ધર્મ અને હિન્દુ ધર્મ અલગ અલગ હોવાનું તેમજ જૈનિઝમ વૈદિક પરંપરાનો
વિરોધ કરતું હોવાનું જણાવી એક જૈન યુગલને હિન્દુ મેરેજ એક્ટની જોગવાઈઓ હેઠળ છુટાછેડા આપવાનો ઇનકાર કરી દીધો હતો. ફેમિલી કોર્ટના એ ચુકાદા બાદ જૈન સમુદાયે મધ્યપ્રદેશ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.
ફેમિલી કોર્ટના ફર્સ્ટ એડિશનલ પ્રિન્સિપાલ જજ ધીરેન્દ્ર સિંધે ચુકાદામાં કહ્યું કે જૈન ધર્મ વૈદિક પરંપરાઓ પર આધારિત નથી. તે તો મૂળભૂત વૈદિક પરંપરાઓ અને હિંદુઈઝમની માન્યતા નો વિરોધ કરે છે.
“શું લઘુમતી સમુદાયના અનુયાયીઓને હિન્દુ વિવાહ અધિનિયમ હેઠળ રાહત આપી શકાય? ” તે મુદ્દે ટિપ્પણી કરતા ફેમિલી કોર્ટે બંને ધર્મ વચ્ચેના તફાવતને ધ્યાનમાં લીધો હતો. અદાલતે જણાવ્યું કે હિંદુઇઝમમાં વિવિધ જાતિઓ અને વર્ગોનો સમાવેશ થાય છે, જ્યારે જૈનત્વ જાતિ અથવા વર્ગ આધારિત વિભાજનોને માન્યતા નથી આપતું.
અદાલતે વધુમાં જણાવ્યું હતું કે 1947થી જૈન ધર્મના અનુયાયીઓએ લઘુમતી ધાર્મિક સમુદાય તરીકે ઓળખાણ મેળવવા માટે દબાણ શરૂ કર્યું હતું. આ અવિરત માંગણી બાદ કેન્દ્ર સરકારે 2014માં જૈન ધર્મને લઘુમતી ધાર્મિક સમુદાય તરીકે ઓળખાણ આપી હતી તેથી સ્પષ્ટ થાય છે કે જૈન ધર્મના અનુયાયીઓને તેમના ધાર્મિક અને સામાજિક માન્યતાઓ અને પરંપરાઓને સ્વતંત્રપણે અમલમાં લાવવાનો સંવિધાનિક અધિકાર પણ છે. હજારો વર્ષ જૂના જૈન ધર્મના જૈન અનુયાયીઓને હિંદુધર્મના કાયદાઓને અનુસરવા માટે મજબૂર કરવા તે ચોક્કસપણે તેમને ધાર્મિક સ્વતંત્રતાના સંવિધાનિક અધિકારથી વંચિત કરવા જેવું હશે.
અદાલતે બન્ને ધર્મ વચ્ચેના તફાવતોની વિસ્તૃત ચર્ચા કરી
અદાલતે કહ્યું કે હિંદુ માન્યતાઓ અનુસાર બ્રહ્માએ બ્રહ્માંડનું સર્જન કર્યું. જૈન ધર્મ અનુસાર, બ્રહ્માંડ શાશ્વત છે અને ક્યારેય સર્જિત નથી. હિંદુ ધર્મમાં, આત્મા અને પરમ આત્મા (પરમાત્મા)ને અલગ માનવામાં આવે છે, અને માનવામાં આવે છે કે જીવનના અંતે આત્મા પરમ આત્મામાં વિલિન થાય છે. બીજી બાજુ, જૈન ધર્મમાં માનવામાં આવે છે કે દરેક આત્મા પોતે જ પરમ આત્મા છે. હિંદુ ધર્મમાં અનેક દેવતાઓ અને દેવીઓની પૂજા કરવામાં આવે છે, જ્યારે જૈન ધર્મમાં તીર્થંકરોની પૂજા કરવામાં આવે છે.
જૈન ધર્મમાં વિવાહનો મુખ્ય ઉદ્દેશ એક જ ધર્મ સાથે સંબંધિત માનવતાનું સાતત્ય જાળવવાનો છે અને તેમાં કોઈ ધાર્મિક ઉદ્દેશની સ્વીકૃતિ નથી,જ્યારે હિંદુધર્મમાં વિવાહને પવિત્ર ધાર્મિક સંસ્કાર તરીકે ગણવામાં આવે છે.હિન્દુઇઝમ માં વેદ ઉપનિષદ અને સ્મૃતિઓને પવિત્ર માનવામાં આવે છે જ્યારે જૈનીઝમ વેદ કે હિન્દુઓના અન્ય શાસ્ત્રોને સ્વીકારતું નથી. જૈનો પાસે અગામાં અને સૂત્રો જેવા પોતાના અલગ પવિત્ર લખાણો છે.
મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો
ફેમિલી કોર્ટના ચુકાદા બાદ જૈન સમુદાયે મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં રજૂઆત કરી છે. તેમના વકીલ પંકજ ખંડેલવાલે જણાવ્યું કે આવી 28 અરજીઓ અત્યાર સુધીમાં રદ કરી દેવામાં આવી છે. જૈન સમુદાય પાસે હાલમાં પોતાનો કોઈ પર્સનલ લો નથી અને અને હિન્દુ વિવાહ અધિનિયમ હેઠળ જૈનોને રાહત ન આપવાના નિર્ણયથી એ સમુદાય પાસે તેમના લગ્ન સંબંધિત વિવાદોના ઉકેલ માટે અન્ય કોઈ કાનૂની મંચ બચતું નથી. તેમની આ દલીલ બાદ હાઇકોર્ટે આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી આવી કોઈ પણ અરજીને રદ ન કરવા ફેમિલી કોર્ટને નિર્દેશ આપ્યા હતા.