100 વર્ષના વૃદ્ધ અને તેમના 95 વર્ષના પત્ની સામેનો કેસ અદાલતે રદ કર્યો
અઢાર અઢાર વર્ષ સુધી ટ્રાયલ પણ શરૂ ન થઈ
રાજસ્થાન હાઇકોર્ટે એસીબીની તીવ્ર આલોચના કરી
એન્ટી કરપ્શન બ્યુરોએ 100 વર્ષના વૃદ્ધ તેમની 95 વર્ષની પત્ની અને 71 વર્ષની પુત્રવધુ સામે 2006 માં કરેલા કેસને રાજસ્થાન હાઇકોર્ટે રદ કરી દીધો હતો. ન્યાયાધિશે કહ્યું કે જિંદગીની પૂર્વ સંધ્યા સુધી આ વૃદ્ધોને કાનૂની જંગ માટે ઢસડવા એ માત્ર અન્યાય જ નહીં પણ ક્રૂરતા પણ છે.
રાજસ્થાનમાં વિવિધ સ્થળે ડેવલપમેન્ટ ઓફિસર તરીકે 1978 થી 2006 સુધી ફરજ બજવનાર રામલાલ પાટીદાર સામે એન્ટીકરપ્શન બ્યુરોએ 2006માં અપ્રમાણસરની મિલકત અંગે કેસ કર્યો હતો.
એસીબીએ એ કેસમાં તેમના પિતા ધૂલી પાટીદાર, માતા
પન્નુદેવી તેમજ પુત્રવધુ પ્રેમીલાને પણ સહ આરોપી બનાવ્યા હતા. તેમના બધા બેન્ક એકાઉન્ટસ અને પુત્રવધુનું સ્ત્રી ધન પણ સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. 2006 માં ગુનો દાખલ કર્યા બાદ 2014માં ચાર્જશીટ મુકાયું હતું. જોકે ટ્રાયલ હાલમાં જ છેક 2024 માં એટલે કે 18 વર્ષ પછી શરૂ થઈ.
તેની સુનાવણી દરમિયાન રાજસ્થાન હાઇકોર્ટના ન્યાયાધીશ મોંગાએ તપાસનીશ અધિકારીઓની ઝાટકણી કાઢતા કહ્યું કે આ વૃદ્ધ યુગલ અને તેમની પુત્રવધુ સામે એક પણ પુરાવો નથી. 18 વર્ષ સુધી ટ્રાયલ કેમ શરૂ ન થઈ તેવો સવાલ અદાલતે કર્યો હતો? ન્યાયાધીશ એ કહ્યું કે આ બધા ન સુધારી શકાય તેવા અન્યાયનો ભોગ બન્યા છે. ગુનામાં સંડોવણીનો એક પણ પુરાવો ન હોવા છતાં આ વૃધ્ધ યુગલ અને તેમના પુત્રવધુ વર્ષોથી આર્થિક અને માનસિક ત્રાસ સહન કરી રહ્યા છે. અદાલતે અંતે આ કેસ કાઢી નાખવાનો ચુકાદો આપતા કહ્યું કે હવે તેમને થોડા સુખથી જીવવા દયો.