x પ્લેટફોર્મને કોર્ટે આપ્યો ઝટકો : ‘X’ને ભારતમાં કામ કરવું હોય તો દેશના કાયદા માનવા જ પડશે, કેન્દ્ર સામેની અરજી ફગાવી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સે કેન્દ્ર સરકારના ટેકડાઉન ઓર્ડર વિરુદ્ધ કર્ણાટક હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જોકે કોર્ટે તે અરજીને ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, ‘ભારતમાં કામ કરતી તમામ સોશિયલ મીડિયા કંપનીઓ માટે દેશના કાયદાઓનું પાલન કરવું ફરજિયાત છે. સોશિયલ મીડિયામા નિયમો અને કાયદો આજના સમયની જરૂરિયાત છે, તેથી કંપનીઓને કોઈ પણ પ્રકારના નિયંત્રણ વગર કામ કરવાની મંજૂરી આપી શકાય નહીં.
કોર્ટે એમ પણ કહ્યું છે કે, ભારતીય બંધારણનો અનુચ્છેદ-19 માત્ર ભારતીય નાગરિકોને જ અભિવ્યક્તિની સ્વતંત્રતાની સુરક્ષા આપે છે, એટલે કે વિદેશી કંપનીઓ કે બિન-નાગરિકો માટે તેને લાગુ ન કરી શકાય.
કોર્ટે એક્સ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, કંપની અમેરિકાના કાયદાઓનું પાલન કરે છે, પરંતુ ભારતના ટેકડાઉન આદેશો માનવાનો ઈન્કાર કરી રહ્યું છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, જે પ્લેટફોર્મ ભારતમાં કામ કરવા ઈચ્છે છે, તેઓએ દેશના કાયદાઓથી પરિચિત રહેવું જોઈએ.
રતના નિયમો અને કાયદા અલગ
કોર્ટના શબ્દોમાં, અભિવ્યક્તિની સ્વતંત્રતા આપતો બંધારણનો અનુચ્છેદ-19 માત્ર ભારતીય નાગરિકોને લાગુ પડે છે, વિદેશી કંપનીઓ કે બિન-નાગરિકો પર નહીં. હાઈકોર્ટે સવાલ કર્યો કે ‘X’ અમેરિકા જેવા દેશોમાં નિયમો માને છે, પરંતુ ભારતમાં ટેકડાઉન આદેશોનો સ્વીકાર કેમ નથી કરી રહ્યું?
કોર્ટએ આ દલીલને પણ નકારી કાઢી કે ભારતમાં અમેરિકન ન્યાયશાસ્ત્ર લાગુ કરવું જોઈએ. કોર્ટે કહ્યું કે ભારતના નિયમો અને કાયદા અલગ છે, તેથી અહીં કાર્ય કરતી કંપનીઓએ સ્થાનિક કાયદાનું પાલન કરવું જ પડશે. સાથે જ હાઈકોર્ટે ચેતવણી આપી કે સોશિયલ મીડિયા પર કોઈ નિયંત્રણ ન રાખવામાં આવે તો અરાજકતા અને કાયદો-વ્યવસ્થાની સમસ્યા ઊભી થઈ શકે છે.
