કેજરીવાલની ભોજન થાળી પર અદાલતી જંગ ? વાંચો
ઇડીએ કેવો આરોપ મૂક્યો ?
લિકર પોલિસી કૌભાંડમાં તિહાર જેલમાં બંધ મુખ્યમંત્રી કેજરીવાલ દ્વારા પોતાના ડૉક્ટર સાથે નિયમિત વિડીયો કોન્ફરન્સિંગ મારફત કોન્ટેક્ટ જાળવવા અંગે દિલ્હીની લોકલ કોર્ટમાં થયેલી અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં ઇડીએ દાવો કર્યો હતો કે, ‘તેઓ મેડિકલ આધારે જામીન મેળવવા માટે જાણીજોઈને સુગર લેવલ વધારવા મીઠી વસ્તુ ખાઈ રહ્યા છે.’ ઈડીએ કોર્ટમાં કહ્યું કે, ‘કેજરીવાલને ટાઈપ-2 ડાયાબિટિસ છે, પરંતુ તેઓ મેડિકલ જામીન મેળવવા જાણીજોઈને જેલમાં બટેટા-પુરી, મીઠાઈ અને કેરી ખાઈ રહ્યા છે.
ઈડીએ કહ્યું કે, ‘કોર્ટે તેમને ઘરનું જમવાનું આપવા માટે મંજૂરી આપી છે. અમને જેલનાં ડીજીએ કેજરીવાલનો ડાયટ પ્લાન મોકલ્યો છે. તેમને બીપીની સમસ્યા છે, પરંતુ જુઓ તે શું ખાઈ રહ્યા છે ? કેજરીવાલના વકીલે કહ્યું હતું કે ઇડીના આરોપ નિરાધાર છે, તે ઘરનું ભોજન બંધ કરાવવા માંગે છે.
ઈડીએ કહ્યું કે, ‘ટાઈપ-2 ડાયાબિટિસગ્રસ્ત વ્યક્તિ આવી વસ્તુઓ ખાય, તેવું અમે ક્યારે સાંભળ્યું નથી, પંરતુ તેઓ દરરોજ બટેટા -પુરી, કેરી અને મીઠી વસ્તુઓ ખાઈ રહ્યા છે. તેઓ મેડિકલ જામીન મેળવવા માટે આવી વસ્તુઓ ખાઈ રહ્યા છે.’
ઈડીની દલીલો બાદ કોર્ટે જેલ વહિવટીતંત્ર પાસે કેજરીવાલના ડાયટ અંગેનો રિપોર્ટ માંગ્યો છે. આ મામલે હવે શુક્રવારે સુનાવણી હાથ ધરાશે.
ઈડીના દાવા પર કેજરીવાલના વકીલે કહ્યું કે, ‘ઈડી આવા નિવેદનો મીડિયા માટે આપી રહી છે. શું ડાયાબિટિસનો સામનો કરી રહેલ વ્યક્તિ આવી વસ્તુઓ ખાઈ શકે છે? વકીલે એવો આરોપ મૂક્યો હતો કે ઇડી ઘરનું ભોજન બંધ કરાવવા માંગે છે.