” ભ્રષ્ટ શિવદ્રોહીઓ માફીને લાયક નથી” મુંબઈમાં વિપક્ષોની ‘ જૂતા મારો ‘ રેલી
શિવાજી મહારાજની પ્રતિમાને મુદ્દે રાજકીય ગરમાવો
ભાજપ પણ હવે વળતું વિરોધ પ્રદર્શન કરશે
મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં રાજકોટ ફોર્ટ ખાતે
છત્રપતિ શિવાજી મહારાજની 35 ફૂટ ઊંચી પ્રતિમા માત્ર આઠ મહિનામાં જ ધરાશયી થઈ જવાની ઘટનાને પગલે રાજકારણ ગરમાંયું છે. એ ઘટના માટે મહારાષ્ટ્રની શિંદે સરકારનો ભ્રષ્ટાચાર જવાબદાર હોવાનું ગણાવી મહા વિકાસ અઘાડી દ્વારા રવિવારે મુંબઈમાં હુતાત્મા ચોકથી ગેટ વે ઓફ ઇન્ડિયા સુધીની જંગી જૂતા મારો રેલી કાઢવામાં આવી હતી.
શિવાજી મહારાજની પ્રતિમા ધરશયી થતા સરકારની આબરૂ ધૂળધાણી થઈ ગઈ હતી. વિધાનસભાની ચૂંટણી પહેલા જ બનેલી આ ઘટનાને પગલે ભાજપના નેતૃત્વ વાળી મહા યુતી સરકાર બેકફૂટ પર આવી ગઈ હતી. આ મુદ્દો ચૂંટણીમાં નડી શકે છે તેવું જણાયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએએ ઘટના અંગે ખેદ વ્યક્ત કરી શિવાજી મહારાજ અને તેમના ભક્તોની માફી માગી હતી. વડાપ્રધાન મોદીએ શિવાજી મહારાજને પોતાના આરાધ્ય દેવ ગણાવ્યા હતા.
જો કે તે પછી પણ વિપક્ષોએ એ મુદ્દો પકડી રાખ્યો છે. છેલ્લા કેટલા દિવસથી મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં મહા વિકાસ અઘાડી દ્વારા વિરોધ પ્રદર્શન કરાયા બાદ રવિવારે આ ‘જૂતા મારો ‘ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ આયોજનને પગલે દક્ષિણ મુંબઈમાં ઠેર ઠેર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ગેટવે ઓફ ઇન્ડિયા પોલીસ છાવણીમાં પરિવર્તિત થઈ ગયું હતું અને પર્યટકો માટે રવિવારે તે બંધ કરી દેવાયુ હતું.
હુતાત્માં ચોકમાં પુષ્પાંજલિ અર્પ્યા બાદ શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસના મહારાષ્ટ્રના પ્રમુખ નાના પટોલેની આગેવાની હેઠળ આ રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રદર્શનકારીઓએ વિશાળકાય જુતા અને સ્લીપરો સાથે રાખી વિરોધ કર્યો હતો.
નોંધનીય છે કે નેવી સેલિબ્રેશનના ભાગરૂપે વડાપ્રધાન મોદીએ ગત ડિસેમ્બર માસમાં આ પ્રતિમાં નું અનાવરણ કર્યું હતું. નેવી અને મહારાષ્ટ્ર સરકારે સંયુક્ત રીતે બનાવેલી આ પ્રતિમાના કામમાં લોટ પાણી અને લાકડા થયાના આક્ષેપો થઈ રહ્યા છે. તેનો કોન્ટ્રાક્ટ મુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્રના મિત્રને આપવામાં આવ્યો હોવાનો વિપક્ષોએ આક્ષેપ કરી સરકારને ઘેરતાં
હવે આ ઘટના રાજકીય બની ચૂકી છે
કોણે શું કહ્યું?
” મહારાષ્ટ્રનું ગૌરવ જાગૃત કરવા માટે અમે શિવાજી મહારાજના ચરણોમાં નમન કરવા માટે આ રેલીનું આયોજન કર્યું છે” ઉદ્ધવ ઠાકરે
” ભ્રષ્ટ શિવદ્રોહીઓ ને કોઈપણ સંજોગોમાં માફ કરી શકાય નહીં” શરદ પવાર
” ભ્રષ્ટાચારને કારણે પ્રતિમા ધરાશયીથઈ છે. શિવાજી મહારાજનું અપમાન થયું છે. શિવદ્રોહીઓને પાઠ ભણાવવા માટે આ રેલી કાઢવામાં આવી છે”
નહેરુએ શિવાજીનું અપમાન કર્યું હતું: ફડણવીસ
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસે વિપક્ષોના વિરોધને રાજકીય વિરોધ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે મહા વિકાસ અઘાડી કે કોંગ્રેસે ક્યારેય શિવાજી મહારાજને સન્માન આપ્યું નથી. નેહરુએ ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા ‘માં શિવાજી મહારાજનું અપમાન કર્યું હતું. ઇન્દિરા ગાંધીએ લાલ કિલ્લા ઉપર થી ક્યારેય શિવાજી મહારાજનું નામ લીધું નથી. શું કોંગ્રેસ માફી માંગશે?
હવે ભાજપ પણ મેદાનમમાં
આ સંવેદનશીલ મુદ્દે મહા વિકાસ અઘડીના આક્રમક વલણનો સામનો કરવા માટે હવે ભાજપ પણ વિરોધ પ્રદર્શન કરશે. ભાજપના પ્રવક્તાએ કહ્યું કે શું વડાપ્રધાન મોદીએ પણ માફી માગી એટલું કાફી નથી? તેમણે કહ્યું કે મહા વિકાસ અઘાડી આ મુદ્દે ગંદુ રાજકારણ રમે છે અને એ રાજકારણને ખુલ્લું પાડવા માટે ભાજપની યુવા પાંખ મહારાષ્ટ્રમાં ગામેગામ શિવાજીની પ્રતિમાઓ પાસે વિરોધ પ્રદર્શન કરશે.મુંબઈમાં દાદર ખાતે ભાજપના મહારાષ્ટ્ર રાજ્યના પ્રમુખ આશિષ શેલારની આગેવાની હેઠળ દેખાવનું આયોજન કરવામાં આવ્યું છે.