રાજકોટ મહાપાલિકા પાસેથી 23 લાખ પડાવી લેવાનો કોન્ટ્રાક્ટરોનો ‘ખેલ’ પકડાયો,જાણો શું છે સમગ્ર મામલો
રાજકોટ મહાપાલિકા દ્વારા દરરોજ કોઈને કોઈ વિસ્તારમાં અલગ-અલગ શાખાને લગત કામ કરાવવામાં આવી રહ્યા છે. નિયમ પ્રમાણે આ કામ ટેન્ડર પ્રક્રિયા કર્યા બાદ આપવામાં આવે છે. જો કે ટેન્ડરમાં નક્કી કરાયેલી શરત પ્રમાણે કામ ન થવા ઉપરાંત સમયમર્યાદામાં કામ પૂર્ણ ન થાય તો પેનલ્ટી પણ ફટકારાય છે. જો કે જ્યારે કોન્ટ્રાક્ટર દ્વારા આ બિલ મુકવામાં આવે ત્યારે આ પેનલ્ટીનો ઉલ્લેખ કર્યા વગર જ બિલ રજૂ કરી દેવાતું હોય ઓડિટ શાખાના ધ્યાને આ મુદ્દો આવી જવાથી ખોટું ચૂકવણું થતું અટકતું હોય છે. આવા જ 23 લાખ રૂપિયાના બિલ ત્રણ મહિનામાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં `ગોલમાલ’ થયાનું ધ્યાન પર આવતા જ અટકાવી દેવામાં આવ્યા છે.
મહાપાલિકાની ઓડિટ શાખા જે દરેક બિલની બારિકાઈથી ચકાસણી કરવાનું કામ કરે છે તે દર ત્રણ મહિને ઓડિટ રિપોર્ટ તૈયાર કરીને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મુકતી હોય છે. આ ઓડિટ શાખામાં ત્રણ મહિનાની અંદર 23.06 લાખ રૂપિયાના એવા બિલ મુકાયા હતા જેમાં ટેન્ડરથી શરત મુજબ કામ ન કરવામાં આવતા ફટકારાયેલી પેનલ્ટી ઉપરાંત જીએસટી સહિતનો `હિસાબ’ કર્યા વગર જ મુકી દેવામાં આવ્યા હોવાથી તેને નામંજૂર કરી નવેસરથી બિલ રજૂ કરવા કોન્ટ્રાક્ટર એજન્સીને રવાના કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : રાજકોટમાં રખડતાં કૂતરાઓને પકડવામાં મનપાને રસ જ નથી! શ્વાનને પકડવા તો દૂર,પાલતું શ્વાન રજિસ્ટ્રેશનના પણ કોઈ ઠેકાણા નહીં
આ તમામ બિલ વોટર વર્કસ શાખા, બાંધકામ શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ચૂંટણી શાખા, આરોગ્ય શાખા, ગાર્ડન શાખા સહિતને લગત હોવાનું ધ્યાન પર આવ્યું હતું. ખાસ કરીને તંત્ર દ્વારા ફટકરાયેલી પેનલ્ટી ઉપરાંત જીએસટી સહિતનો ઉલ્લેખ કરાતો ન હોય ઓડિટ શાખાનું કામ વધી રહ્યું છે. આ પ્રકારના બિલને ઓવરબિલિંગ કહેવામાં આવે છે. હવે કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા નવેસરથી સુધારા કરાયેલું બિલ મુકાયા બાદ જ ચૂકવણુ કરવામાં આવશે.
