રાજુલામાં કોંગ્રેસને લાગશે કમ્મરતોડ ફટકો: અંબરીશ ડેર કરશે કેસિરયા
હજુ નિર્ણય ન લીધાનો ડેરનો જવાબ: નજીકની વ્યક્તિએ કહ્યું, આજે જ રાજીનામું આપશે !
તમામ સમીકરણો સધાઈ ગયા બાદ જ અમરેલી બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવાનો ભાજપનો વ્યૂહ: ડેરને મોટી જવાબદારી મળી રહ્યાની વાતો
૨૦૧૭ની ચૂંટણીમાં અમરેલી જિલ્લાની રાજુલા બેઠક પર કોંગ્રેસની ટિકિટથી જીત હાંસલ કરનારા અંબરીશ ડેર કેસરિયા કરવાની તૈયારીમાં હોવાની વાતે રાજકીય ગલિયારામાં જોર પકડી લીધું છે. બીજી બાજુ ડેરની વિદાયથી લોકસભા ચૂંટણી ટાણે જ કોંગ્રેસને કમ્મરતોડ ફટકો પડી રહ્યાનું જાણકારો જણાવી રહ્યા છે. અંબરીશ ડેર કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ રહ્યા છે તે અંગે તેમણે પોતે તો સચોટ જવાબ આપવાનું ટાળીને હજુ નિર્ણય નહીં લીધાનું કથન કર્યું હતું પરંતુ તેમની અત્યંત નજીકના અને કોંગ્રેસના નેતાએ સ્પષ્ટપણે જણાવ્યું કે અંબરીશ ડેર આજે જ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે.
અત્રે એ વાત પણ નોંધનીય છે કે લોકસભા ચૂંટણી માટે ભાજપે ગુજરાતની ૧૫ સહિત દેશની ૧૯૫ બેઠકો ઉપર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. જો કે આ જાહેરાતમાં અમરેલી બેઠકના ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી ત્યારે રાજકીય નિષ્ણાતો જણાવી રહ્યા છે કે અંબરીશ ડેરને ભાજપમાં લાવવા સહિતના સમીકરણોની જુગતમાં અત્યારે ભાજપ પ્રયત્નશીલ છે અને તમામ પ્રકારના સમીકરણ સધાઈ ગયા બાદ જ અહીં ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવશે.
બીજી બાજુ ડેર રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ રહ્યાની વાત વચ્ચે એવી ચર્ચાએ પણ જોર પકડી લીધું છે કે ભાજપમાં આવ્યા બાદ તેમને મોટી જવાબદારી મળી રહી છે અને બની શકે કે સંભવત: તેઓ લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પણ બની જાય. જો આમ નહીં બને તો પછી રાજુલા બેઠકના સીટિંગ ધારાસભ્ય હિરા સોલંકીને રાજીનામું અપાવીને લોકસભા લડાવાશે અને તેમની ખાલી પડેલી જગ્યાએ અંબરીશ ડેરને પેટાચૂંટણીમાં ભાજપની ટિકિટ પરથી લડાવવામાં આવશે. જો કે આ તમામ વાતો અત્યારે ચર્ચા સ્વરૂપે જ ચાલી રહી હોય આગામી સમયમાં તમામ અટકળોના સચોટ જવાબ સામે આવી જશે.